ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લીરલ-લીલણબાઈ-લીલમબાઈ-લીલુબાઈ-લીળલબાઈ


લીરલ/લીલણબાઈ/લીલમબાઈ/લીલુબાઈ/લીળલબાઈ : લીરલબાઈને નામે ૭ ભજન(મુ.), લીરણબાઈને નામે ૧ ભજન(મુ.) લીલમબાઈને નામે સ્તવનરૂપે રજૂ થતાં ૪ ભજન (મુ.)અને બીજાં ૨ ભજન, લીલુબાઈને નામે ૧ ભજન તથા લીળલબાઈને નામે ૧ ભજન(મુ.) મળે છે. એમના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. એક લીરલબાઈ મજેવડીનાં લુહારભક્ત દેવતણખીનાં પુત્રી ને દેવાયત પંડિતનાં શિષ્યા હતાં એવું કહેવાય છે. આ લીરલબાઈને લોકસાહિત્યનાં ભજનોમાં મળતાં ને કુંભારાણાનાં પત્ની તરીકે ઓળખાવાયેલાં લીળલબાઈ એક છે કે જુદાં એ જાણવા માટે કોઈ આધાર નથી. ઉપર્યુક્ત પદો આમાંથી કોઈનાં હશે કે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. નકાસંગ્રહ; ૫. બૃહત્સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી (+સં.). સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, માર્ચ ૧૯૮૬-‘મહાપંથ અને તેના સંતો’, નિરંજન રાજ્યગુરુ;  ૨. ડિકૅટલૉગબીજે. [કી.જો.]