ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા’


‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા’ : ખંભાતની આહિરાણી લોડણ અને સૌરાષ્ટ્રના રાવલ ગામના આહિર ખીમરા વચ્ચેની પ્રણયકથાના ૪૦ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે લોડણની ઉક્તિ રૂપે મળતા આ દુહાઓમાં યાત્રાએ નીકળેલી ને પુરુષો પ્રત્યે અણગમો ધરાવતી લોડણનો રાવલમાં ખીમરા સાથે વિશિષ્ટ રીતે થયેલો મેળાપ, બંનેના હૃદયમાં ફૂટેલાં પ્રેમનાં અંકુર, આઠ દિવસનો વાયદો કરી લોડણનું પોતાના સંઘ સાથે યાત્રાએ જવું, આઠ દિવસ પછી પાછા વળતાં ખીમરો પોતાાના વિરહમાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળવાથી લોડણનું ખીમરાની ખાંભી પાસે મૃત્યુ પામવું એવો આછો કથાતંતુ વણાયેલો દેખાય છે. પરંતુ દુહાઓનું આસ્વાદ્ય તત્ત્વ એમાંથી પ્રગટ થતો લોડણ-ખીમરાનો પરસ્પર માટેનો સ્નેહ છે. “અણીઆળાં અમ ઉર, ભીંસુ તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, ખાંભી માથે ખીમરા” જેવી પંક્તિઓ બંને પ્રેમીઓના પ્રેમની માદકતાને ઉત્કટ રીતે વાચા આપે છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.) (+સં.). સંદર્ભ : મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪. [જ.ગા.]