ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છ-૨-વાછો


વચ્છ-૨/વાછો [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા ૪૦૧ કડીના ‘મૃગાંકલેખા-રાસ’માં કવિએ મૃગાંકલેખાના ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ.૧૫મી સદી આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તારી બન્યા એ રાસાના સ્વરૂપમાં આવેલા પરિવર્તનને આ રાસ સૂચવે છે. આ કવિએ વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત-રાસ/પ્રવચન-રાસ’ (ર.ઈ.૧૪૬૭/સં.૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ.૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ જૈનેતર છે. ‘ચિંહુગતિની વેલિ’માં અંતે આવતો ‘વાંછૂ’ શબ્દ ‘ઇચ્છું’ એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે શંકાસ્પદ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘જૈન સાહિત્ય’; ૫. મરાસસાહિત્ય;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી. [ભા.વૈ.]