ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરો


વીરો [ઈ.૧૭૬૫માં હયાત] : ભક્ત અને આખ્યાનકવિ. વડોદરા જિલ્લાના ધીરા ભગતના વતન ગોઠડાની પાસે આવેલા વાંકાનેરના વતની. તેઓ જ્ઞાતિએ ભાટ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે અને ધીરાની સાથે એમને મૈત્રીસંબંધ હતો એમ પણ કહેવાય છે. ચોપાઈ બંધની ૧૦૦૭ કડીમાં રચાયેલું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, ભાદરવા-૧૦,-) એમનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે. સંતરામ મહારાજના શિષ્ય ગણાતા વીરોએ ‘ગુરુમહિમા’ તથા પદો (૧ મુ.)ની રચના કરી છે. મુદ્રિત પદમાં ‘ભક્તિ કરે વીરો વાંકાનેરમાં’ એવી પંક્તિ મળી છે. એટલે સંતરામ મહારાજના શિષ્ય વીરો અને આ કવિ એક હોવાની સંભાવના છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૩. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુજૂકહકીકત; ૪. પ્રાકકૃતિઓ; ૫. પ્રાકામાળા : ૨૩ (પ્રસ્તાવના);  ૬. ગૂહાયાદી.[ચ.શે.]