ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિરાટપર્વ’-૨


‘વિરાટપર્વ’-૨[ઈ.૧૪૨૨ પહેલાં] : દક્ષિણગોગ્રહ અને ઉત્તરગોગ્રહ એમ બે ખંડમાં વહેંચાયેલી ૧૮૩ કડીની જૈન કવિ શાલિસૂરિકૃત આ રચનાને (મુ.) કવિએ ‘કવિત’ સંજ્ઞાથી ઓળખાવી છે. જૈન કવિની હોવા છતાં જૈન મહાભારતની નહીં પરંતુ વ્યાસરચિત મહાભારતની કથાપરંપરાને અનુસરવાનું વલણ, કૃતિના પ્રારંભમાં સરસ્વતીની વંદના તથા માત્રામેળને બદલે સ્વાગતા-રથોદ્ધતા-વસંતતિલકા-માલિની જેવા અક્ષરમેળ છંદોનો ઉપયોગ આ કૃતિની જુદી તરી આવતી લાક્ષણિકતાઓ છે. કવિએ કાવ્યમાં રચનાસાલ આપી નથી, પરંતુ માણિક્યસુંદરના ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (ર.ઈ.૧૪૨૨)માં આ કાવ્યમાંથી ૨ કડીની એકએક પંક્તિ ઉદ્ધૃત કરવામાં આવી છે, એટલે આ કૃતિની રચના તે પૂર્વે થઈ હોવાનું કહી શકાય. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૫મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન પણ થયું છે. મહાભારતના ‘વિરાટપર્વ’ના મુખ્ય કથાતંતુ કવિએ અહીં જાળવ્યા છે, અને અન્ય ગૌણ પ્રસંગો ને વીગત ટાળ્યાં છે. એટલે પહેલાં ખંડમાં દ્રૌપદીથી આકર્ષાયેલા કીચકનો અને પછી તેના ભાઈઓનો ભીમ વધ કરે છે એ તથા સુશર્મા અને વિરાટ રાજા વચ્ચે થયેલા યુદ્ધની કથાના પ્રસંગો આલેખાયા છે. બીજા ખંડમાં વિરાટપુત્ર ઉત્તરે અર્જુનની સહાયથી કૌરવો પર મેળવેલા વિજ્યની કથા છે. સમગ્ર આલેખનમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવાનો કવિનો ઉપક્રમ ઊપસી આવે છે. શબ્દ અને અર્થના અલંકારોનો આશ્રય લઈ યુદ્ધનાં ને અન્ય વર્ણનો તાદૃશ કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે તેમાં પરંપરાને અનુસરવાનું વલણ પ્રબળ છે. પરંતુ પ્રસંગનિરૂપણમાં અનેક જગ્યાએ વક્તવ્યને ધારદાર બનાવવા કવિએ વણી લીધેલી લોકોક્તિઓ કવિની શૈલીની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. જેમ કે, દ્રૌપદી પ્રત્યે આકર્ષાયેલા કીચકને ચેતવણી આપતાં સુદેષ્ણા કહે છે, “કિમઇ ન જાણિઉં ફલ નૈવ ખાજઈ અણજાણતું અંધ ઉબાડિ દાઝઈ.” [ભા.વૈ.]