ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીધર-૨


શ્રીધર-૨ [ઈ.૧૫૦૯માં હયાત] : જૂનાગઢના મોઢ અડાલજા વણિક. પિતા સહમા મંત્રી. અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંથી ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની ‘રાવણમંદોદરી-સંવાદ’(ર.ઈ.૧૫૦૯; મુ.) એ કવિની ધ્યાનપાત્ર ઉખાણાગ્રથિત રચના છે. આમ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા સમજાવે છે અને રાવણ એ વાત સમજવાનો ઇનકાર કરે છે એ કાવ્યનો મુખ્ય પ્રસંગ છે, અને આખું કાવ્ય મુખ્યત્વે બંનેના સંવાદ રૂપે ચાલે છે. પરંતુ કાવ્યની દરેક કડીમાં ૧ કે વધુ ઉખાણાં ગૂંથી તથા ‘કરિસી કવિત ઉખાણી કરી’ એમ કાવ્યનો ઉદ્દેશ સ્પષ્ટ કરી કવિએ મુખ્ય આશય કૃતિમાં પોતાના સમયમાં ભાષાની અંદર પ્રચલિત ઉખાણાં (રૂઢોેક્તિઓ) ગૂંથી લેવાનો રાખ્યો છે. એમ કરવા જતાં પાત્રના ગૌરવને હાનિ પહોંચાડે એવી ઘણી ઉક્તિઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, તેમ છતાં તે સમયની લોકભાષાને સમજવા માટે આ મહત્ત્વની કૃતિ છે. નરસિંહની ઢાળની કડીઓમાં સાંકળી કરવાને લીધે બંધની દૃષ્ટિએ થોડું જુદું પડતું, પદસદૃશ ૧૬ કડવાંનું, શિવભીલડીનાં સંવાદ રૂપે રચાયેલું ‘ગૌરીચરિત્ર/મૃગલી-સંવાદ’(મુ.) કવિનું આખ્યાનકોટિનું કાવ્ય છે. કૃતિ : ૧. પ્રબોધબત્રીશી અને રાવણમંદોદરીસંવાદ, સં. મ. બ. વ્યાસ, ઈ.૧૯૩૦; ૨. બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. સસામાળા; ૭. વિદ્યાપીઠ, માર્ચ-એપ્રિલ ૧૯૭૧-‘શ્રીધરની કહેવતો’, દિનેશ શુક્લ;  ૮. ગૂહાયાદી; ૯. જૈગૂકવિઓ : ૧; ૧૦. લીંહસૂચી. [ચ.શે.]