ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સભાપર્વ’


‘સભાપર્વ’ : મહાભારતના સભાપર્વના પ્રસંગોને સંક્ષિપ્તમાં વર્ણવતું ખંભાતના કવિ વિષ્ણુદાસને નામે ૨૦ કડવાંનું આ નામનું આખ્યાન(મુ.) મળે છે. આ જ વિષ્ણુદાસકૃત ૩૬ કડવાંનું ‘સભાપર્વ’(મુ.) પણ મળે છે. આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં ૩૬ કડવાંનું ‘સભાપર્વ’ વિષ્ણુદાસની અધિકૃત રચના જણાય છે. બીજું ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ નામછાપ વિષ્ણુદાસની બતાવે છે અને રચનાસમય પણ ઈ.૧૫૬૧/સં.૧૬૧૩, જેઠ-૧૨, મંગળવાર આપે છે, તેમ છતાં એ વિષ્ણુદાસની અધિકૃત રચના જણાતી નથી. કૃતિમાં આશરે ૧૧ વખત એટલે કે મોટાભાગનાં કડવામાં કવિની નામછાપ મળે છે. આ લઢણ ખંભાતના વિષ્ણુદાસનાં અન્ય આખ્યાનોમાં નજરે પડતી નથી. કૃતિનો રચનાસમય પણ વાર, તિથિ, માસ સાથે મેળમાં નથી. સંપાદકની નોંધ પરથી લાગે છે કે કૃતિની પ્રત ઘણી અર્વાચીન છે. આ બધાં કારણોને લક્ષમાં લેતાં પ્રસ્તુત કૃતિ ખંભાતના વિષ્ણુદાસની હોવાની સંભાવના ઓછી છે. કે. કા. શાસ્ત્રીએ પ્રસ્તુત કૃતિ ખંભાતના કવિ શિવદાસની હોવા સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી.[જ.ગા.]