ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સ્વરૂપની કાફીઓ’


‘સ્વરૂપની કાફીઓ’ : ધીરકૃત કાફીપ્રકારનાં ૨૧૦ પદોનો આ સમુચ્ચય (મુ.) ગુરુ, માયા, મન, તૃષ્ણા, લક્ષ્મી, યૌવન અને કાયા એ ૭ પદોનાં લક્ષણો ૩૦-૩૦ કાફીઓમાં વર્ણવે છે. ગુરુસ્વરૂપની કાફીઓમાં માન-અપમાન, રાગદ્વેષ, કામક્રોધ ઇત્યાદિથી પર એવા સમદૃષ્ટિ ગુરુનું અત્યંત ભાવપૂર્વક ચિત્ર દોર્યું છે અને દત્તાત્રેય આદિ સાથે પણ એમને સરખાવી ન શકાય એમ કહી એમનો અપાર મહિમા કર્યો છે. કોઈએ નથી કર્યું એવું ગુરુએ કર્યું છે-ભાટ જેવી જેની વૃત્તિ હતી તેને બ્રહ્મા સમાન કર્યો છે અને પથ્થર હતો તેને શબ્દ વડે સમર્યો છે-એ બતાવી ગુરુગુણ ગાવાની આવશ્યકતા બતાવી છે. માયાસ્વરૂપની કાફીઓમાં ધન, પુત્ર, પત્ની, ઘરબાર વગેરેની આસક્તિ રૂપે વળગતી સૌને રમાડતી, અખિલેશ્વરી માયાના પ્રતાપનું વર્ણન કર્યું છે; તો મનસ્વરૂપની કાફીઓમાં માણીગર, બાજીગર, ભૂત જેવા, સારાસારનો વિવેક નહીં કરી શકતા, ચંચળ, તરંગી, મતલબી, મોજીલા મનનાં ચિત્રો દોર્યાં છે ને વશ થયેલું મન શું સિદ્ધ કરે છે તે કહી એની શક્તિનો મહિમા કર્યો છે. તૃષ્ણાસ્વરૂપની કાફીઓમાં ઘરડી નટવી, સાગરતરંગ, વંટોળ, રેંટ, પાણી વિનાનું તળાવ, ચંદન ઘો, વાનરી, ઘોડી વગેરેનાં દૃષ્ટાંતો લઈ તૃષ્ણાનું સ્વરૂપ સ્ફુટ કર્યું છે અને તૃષ્ણાને ગુરુપ્રાપ્તિ તરફ ને અધ્યાત્મજ્ઞાન તરફ વાળી ફલપ્રદ બનાવવાનો બોધ કર્યો છે. લક્ષ્મીસ્વરૂપની કાફીઓમાં પણ વીંછીનો દંશ પામેલી ઘેલી અળવીતરી સ્ત્રી, સોમલ, ગંધર્વનગર, તરવાર, વીજળી, સર્પ વગેરેનાં દૃષ્ટાંતથી લક્ષ્મીનાં ઉદ્દંડતા, વિનાશકતા, મિથ્યાત્વ, રંગબેરંગીપણું આદિ લક્ષણો પ્રકાશિત કર્યાં છે. લક્ષ્મીના સંગથી વિષ્ણુ પણ કાળા થયા એમ કહી એની અનિષ્ટતા માર્મિક રીતે પ્રગટ કરી છે. યૌવનસ્વરૂપની કાફીઓમાં મદિરા, મસ્તાનો માતંગ, મૃગજળ, સ્વપ્નાની નારી, નદીમાં આવતું પૂર, માનસસરોવરને ડહોળી વિક્ષુબ્ધતા પ્રગટ કરી છે અને ધનલાલસા, કામવાસના, કેફી વ્યસન, જુગાર વગેરે યૌવનના દોષો વર્ણવી એની લપસણી ભૂમિનું આલેખન કર્યું છે. કાયાસ્વરૂપની કાફીઓમાં જીવ, ઇન્દ્રિયો આદિનું કાર્ય વર્ણવી નાશવંત કાયા માટે માનવ જે પ્રયાસો કરે છે તેની વ્યર્થતાનું નિરૂપણ કર્યું છે. કાફીઓ તત્ત્વજ્ઞાનાત્મક કરતાં ઉપદેશાત્મક વધુ છે, પરંતુ કવિએ દૃષ્ટાંતોનો નહીં પણ દૃષ્ટાંતચિત્રોનો આશ્રય લીધો છે. દૃષ્ટાંત આખા પદમાં વાર્તારૂપ બનીને વિસ્તરેલું હોય છે. તે ઉપરાંત આત્મકથનની ને ઉદ્બોધનની શૈલી પણ તેમાં પ્રયોજાયેલી છે તથા ચોટદાર ઉક્તિઓ પણ તેમાં અવારનવાર મળે છે. આ રીતે આ કાફીઓનો કાવ્યગુણ ઘણો નોંધપાત્ર છે.[જ.કો.]