ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અથર્વવેદ


અથર્વવેદ : અન્ય વેદોની સરખામણીમાં અથર્વવેદનું મહત્ત્વ જુદા પ્રકારનું છે. તત્કાલીન સમાજનાં રીતરિવાજ, વહેમ, આસ્થા, કર્મકાંડ, માન્યતા વગેરેનો જાણે કે સર્વસંગ્રહ હોય તેવો અથર્વવેદ સમાજશાસ્ત્રીઓનું સવિશેષ ધ્યાન ખેંચે છે. રચનાની દૃષ્ટિએ પાછળનો, પણ વિષયની દૃષ્ટિએ અત્યંત પ્રાચીન મનાતો આ વેદ એના વિષયોને કારણે નોંધપાત્ર છે. અથર્વવેદમાં ૧, રોગમુક્તિની પ્રાર્થના (भैषज्यानि), ૨, દીર્ઘ આયુષ્યની પ્રાર્થના (आयुष्याणि), ૩, શત્રુ કે રાક્ષસના નાશની પ્રાર્થના (अभियारकाणि), ૪, સ્ત્રીવિષયક અભિચાર स्त्रीकर्णाणि, ૫, સામનસ્યની-માનસિક ઐક્યની પ્રાર્થના (सांमनस्यानि), ૬, રાજાને સ્પર્શતા વિષયોના અભિચાર (राजकर्णाणि), ૭, બ્રાહ્મણ માટેની પ્રાર્થના, ૮, સમૃદ્ધિ-પુષ્ટિની પ્રાર્થના (पौष्टिकानि), ૯, પ્રાયશ્ચિત્ત (प्रायश्चित्तानि), ૧૦, સૃષ્ટિસર્જન કે અધ્યાત્મવિષયક સૂક્તો. ૧૧, યજ્ઞવિષયક સૂક્તો. ૧૨, વ્યક્તિગત વિષયો. ૧૩, કુન્તાપસૂકતો. ૧૪, વીસમો કાંડ જેવા વિષયો નોંધપાત્ર છે. વળી, દેવદેવીઓની સ્તુતિઓ તો ખરી જ, સમાજશાસ્ત્ર ઉપરાંત પદાર્થવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, જીવવિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, આયુર્વેદ વગેરેના અભ્યાસી માટે પણ વિપુલ સામગ્રી આ વેદમાં પ્રાપ્ત થાય છે. थर्व એટલે ચાલવું. ચલાયમાન. अ-थर्व = નહિ ચાલનાર, સ્થિર, જેનું મન ચલાયમાન થાય નહિ, એવા સ્થિરચિત્ત ઋષિ અથર્વાનો વેદ, માટે તેનું નામ અથર્વવેદ. આને બ્રહ્મવેદ, અથર્વાગિરો વેદ, ભૃગ્વંગિરોવેદ, ક્ષત્રવેદ, ભૈષજ્યવેદ, અંગિરોવેદ જેવાં જુદાં જુદાં નામોથી ઓળખવામાં આવે છે. આના અનેક પાઠભેદો પણ મળે છે. એ દૃષ્ટિએ તે બીજા વેદોથી જુદો પડે છે. એની શૌનક અને પિપ્પલાદ એમ બે શાખાઓ પ્રચલિત છે. આ વેદમાં ૨૦ કાંડ, ૩૬ પ્રપાઠક, ૧૧૧ અનુવાક, ૭૩૬ સૂક્તો અને ૬૦૩૧ મંત્રો છે. પતંજલિના મહાભાષ્ય મુજબ અથર્વવેદની નવ શાખાઓ હતી પણ તેની બે જ શાખાઓ આજે મળે છે. અથર્વવેદની પરંપરામાં તેને કંઠસ્થ રાખનારા વિદ્વાનો બહુ જ ઓછા છે છતાં ગુજરાતમાં અતિઅલ્પ સંખ્યામાં પણ એ મળી આવે છે. ગૌ.પ.