ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિવાચકો


અધિવાચકો(Hypograms) : ‘સેમિયોટિક્સ ઓવ પોએટ્રી’માં માઇકલ રિફાતેરે એનો આ સિદ્ધાન્ત વિકસાવ્યો છે. કાવ્યના અર્થને સમજવા સામાન્ય ભાષાસામર્થ્ય જોઈએ, પરંતુ કાવ્યવાચનમાં વારંવાર આડે આવતાં અવ્યાકરણિક તત્ત્વોની સાથે કામ પાડવા માટે ‘સાહિત્યિક સામર્થ્ય’ની જરૂર પડે છે. અવ્યાકરણિકતાનાં વિઘ્નોનો સામનો કરતાં વાચનની ક્રિયા દરમ્યાન વાચકને અર્થવત્તાનો બીજો સ્તર ખુલ્લો કરવો પડે છે. આ સ્તર કૃતિનાં અવ્યાકરણિક તત્ત્વોની સમજ આપે છે. આ દ્વારા જે ખુલ્લો થાય છે તે ‘સંરચનાત્મક આધાર’ (Structural matrix) હોય છે. આ આધારને કોઈ એકાદ વાક્ય કે માત્ર એકાદ શબ્દમાં મૂકી શકાય છે. આ આધાર સીધો હાથમાં આવતો નથી તેમજ શબ્દ કે વાક્ય રૂપે કાવ્યમાં ખરેખર ઉપસ્થિત પણ હોતો નથી. પરિચિત વિધાનો, રૂઢ વાક્યો, અવતરણો કે પારંપરિક સાહચર્યોના રૂપમાં રહેલા આધારનાં સંસ્કરણો દ્વારા કાવ્ય એના આધાર સાથે સંબંધિત હોય છે. આ સંસ્કરણો ‘અધિવાચકો’ કહેવાય છે. આ આધાર જ કાવ્યને એકત્વ અર્પે છે. ચં.ટો.