ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુઆધુનિકતાવાદ


અનુઆધુનિકતાવાદ(Post Modernism) : આધુનિકતાવાદે અનુસંરચનાવાદી ભૂમિકા સુધી પહોંચી ઇતિહાસતત્ત્વ, માનવતાવાદ અને નિર્દેશતાનો જે રીતે અસ્વીકાર કરેલો એની સામે અનુઆધુનિકતાવાદ પ્રતિકાર રૂપે આવ્યો છે. અનુઆધુનિકતાવાદ ફરી માનવતાવાદ સ્થાપવા ઇચ્છે છે. ઇતિહાસપરિપ્રેક્ષ્ય ફરી લાવવા ઇચ્છે છે, પ્રણાલિ કે પરંપરાની તરફેણમાં આવાં ગાર્દને નકારે છે અને સ્વનિર્દેશપરકતાની સામે અન્યનિર્દેશપરકતાને લક્ષ્ય બનાવે છે. અલબત્ત, કેટલાક એને આધુનિકતાવાદનો જ એક તબક્કો ગણે છે. આ સંજ્ઞાનો પહેલો બૃહત્પ્રચાર સ્થાપત્યક્ષેત્રે થયો છે. સ્થાપત્યના નર્યા આધુનિક સ્વરૂપવાદ અને અમૂર્તવાદ સામે નૃરૂપકેન્દ્રિતા, નૃકેન્દ્રિતા અને નૃમિતિકેન્દ્રિતા દાખલ થતાં ફરી માનવીય પરિપ્રેક્ષ્ય પ્રધાન બન્યું છે. આધુનિકતાએ વ્યક્તિને બદલે વસ્તુઓ પર મૂકેલા ભારનો અને યંત્રના પ્રતિમાન પર મૂકેલા મનુષ્યજગતનો અસ્વીકાર થયો છે. સર્વસંમતિ, સ્થિર સીમાઓ અને નિશ્ચિત સ્વરૂપો પર નિર્ભર અર્થનો ખ્યાલ પણ ઓગળતો ગયો છે. અનુઆધુનિકતવાદના બે તત્ત્વવિચારપ્રણેતાઓમાંના ઝાં ફ્રાંસવા લ્યોતારે દર્શાવ્યું કે આધુનિકતાની જૂની પરિયોજનાઓ ભાંગી પડી છે કારણ કે મનોવિજ્ઞાન અને માર્ક્સવાદ જેવા આધુનિક સમાજસિદ્ધાન્તો અને ફિલસૂફી અંગેના પૂર્વકાલીન ‘અધિવૃત્તાન્તો’ નિષ્ક્રિય થઈ ગયા છે, એમણે એમની પ્રમાણભૂતતા ખોઈ નાખી છે. તો, ઝાં બોદ્રિલારે દર્શાવ્યું કે આપણે ઇલેક્ટ્રોનિક સંપ્રેષણયુગમાં ટી.વી. અને ચેનલોને કારણે અધિવાસ્તવ (Hyperreality) વચ્ચે મુકાઈ ગયાં છીએ, જેમાં માધ્યમોને વાસ્તવથી નહીં પણ વાસ્તવને માધ્યમથી મપાય છે. અમેરિકન ગ્રાહકમૂડીવાદ વચ્ચે તેથી જ વાસ્તવ રણમાં ઝાંઝવાંની જેમ આંખ આગળથી અદૃશ્ય થઈ ગયું છે. વાણિજ્ય સંસ્કૃતિમાં ભદ્રસંસ્કૃતિ અને સમૂહસંસ્કૃતિના ભેદ ભૂંસાઈ ગયા છે. ચિત્રકાર એન્ડી વોરહોલના વાણિજ્ય-પરિમાણવાળાં ચિત્રો એનાં ખાસ ઉદાહરણ છે. આ સંજ્ઞા બહુ ઝડપથી સૌન્દર્યનિષ્ઠશૈલી, સંસ્કૃતિમિશ્રણ, વિવેચનવ્યવહાર, આથિર્ક પરિસ્થિતિ તેમજ રાજકીય વલણને સાથે સાથે સૂચવવા લાગી છે. સાહિત્ય સંકેતકરણથી ફરી અનુકરણની તરફ, એટલે કે પ્રતિનિધાનની સમસ્યાથી એ ફરી વાસ્તવની સમસ્યા તરફ જઈ રહ્યું છે. અનુઆધુનિકતાવાદના અનુસંરચનાવાદી(દેરિદા, ફ્યુકો), નવ્યમાર્ક્સવાદી(જેમ્સન ઇગલટન, સૈદ), નવ્યવ્યવહારવાદી(લ્યોતાર અને રોર્ટિ), નારીવાદી અને નવ્યઇતિહાસવાદી – એમ પાંચેક પ્રવાહો અત્યારે પ્રવર્તમાન છે. ચં.ટો.