ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિજ્ઞાન


અભિજ્ઞાન(Anagnorisis, discovery, recognition) : એરિસ્ટોટલના નિર્દેશ્યા પ્રમાણે ગ્રીકનાટકમાં નાયકના ચારિત્ર્યદોષને કારણે કથાનક અપેક્ષાવિપર્યય તરફ આગળ વધી દુર્ભાગ્ય તરફ ધસે છે ત્યારે અભિજ્ઞાન જરૂરી બને છે. નાયકને આ રીતે તેના જીવનની અત્યંત દુઃખદ ક્ષણે રહસ્યમય સત્યની જાણ થાય એ સ્થિતિ ‘અભિજ્ઞાન’ છે. આ સંદર્ભમાં પોતાના પિતાનું ખૂન કરી માતા સાથે લગ્ન કર્યાની ઇડિપસને થતી જાણ ‘અભિજ્ઞાન’ની ક્ષણ છે. એરિસ્ટોટલ પછી ‘ઉચ્ચ અભિજ્ઞાન’ (High recognition)ને ‘નિમ્ન અભિજ્ઞાન’(Low recognition)થી અલગ કરવામાં આવ્યું છે. ‘નિમ્ન અભિજ્ઞાન’ જન્મજાતચિહ્ન કે ઘાવનું નિશાન, વીંટી જેવી વસ્તુઓ સાથે એટલે કે ચિહ્નો યા નિશાની સાથે સંકળાયેલું છે, જ્યારે ‘ઉચ્ચ અભિજ્ઞાન’ વ્યવસ્થાક્રમ, કાર્યકારણ સંવાદ કે સત્ય સાથે સંકળાયેલું છે, જે બૌદ્ધિક અનુમાન, તર્ક, પ્રેરણાત્મક સૂઝ વગેરેમાંથી ઉદ્ભવે છે. ચં.ટો.