ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થાતરન્યાસ


અર્થાંતરન્યાસ : સાદૃશ્યમૂલક અલંકાર. સામાન્ય કથનનું વિશેષ દ્વારા કે વિશેષ કથનનું સામાન્ય દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે તેને અર્થાંતરન્યાસ અલંકાર કહેવાય. આ સમર્થન સાધર્મ્યથી કે વૈધર્મ્યથી થઈ શકે. આ અલંકારના ચાર પ્રકાર પાડી શકાય. ૧, સામાન્યનું વિશેષ દ્વારા સાધર્મ્યથી સમર્થન ૨, વિશેષનું સામાન્ય દ્વારા સાધર્મ્યથી સમર્થન ૩, સામાન્યનું વિશેષ દ્વારા વૈધર્મ્યથી સમર્થન ૪, વિશેષનું સામાન્ય દ્વારા વૈધર્મ્યથી સમર્થન જેમકે ‘‘દોષથી વ્યાપ્ત મનવાળા માણસને સુંદર વસ્તુ પણ વિપરીત જણાય છે. પિત્તપીડિત માણસને ચંદ્ર જેવો શુભ્ર શંખ પણ પીળો લાગે છે.’’ અહીં સામાન્યનું વિશેષ દ્વારા સાધર્મ્યથી સમર્થન કરવામાં આવ્યું છે માટે અર્થાંતરન્યાસનો આ પહેલો પ્રકાર છે. જ.દ.