ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થોપક્ષેપકો


અર્થોપક્ષેપકો  : સંસ્કૃત નાટ્યસિદ્ધાન્તમાં સૂચ્યવૃત્તાંતો અંગેની નાટ્યરૂઢિઓને માટે વપરાતી સંજ્ઞા. નાટ્યકથાનક ચાર પ્રકારમાં વહેંચાય છે : નાટકકાર કથાનકનો કેટલોક ભાગ પ્રેક્ષકની કલ્પના પર છોડે છે તે અભ્યૂહ્ય; કેટલાક ભાગની સદંતર ઉપેક્ષા કરે છે તે ઉપેક્ષ્ય; મધુર અને ઉદાત્તને જ રંગભૂમિ પર પ્રદર્શિત કરે છે તે પ્રયોજ્ય અને નીરસ, અનુચિતને માત્ર સૂચિત કરે છે તે સૂચ્ય. આનો અર્થ એ થયો કે નાટકકારને મર્યાદિત સમયમાં કથાનક રજૂ કરવું હોય તો રંગભૂમિ પર કેવળ પ્રભાવોત્પાદક, રસપ્રવણ માર્મિક અંશોની જ પ્રસ્તુતિ કરવી પડે. જે માર્મિક નથી તેમ છતાં કથાનકના સાતત્ય માટે અનિવાર્ય છે એવા અંશોને કે વૃત્તાંતોને સૂચિત કરવા પડે. ક્યારેક વધ, હિંસા, યુદ્ધ, કામકેલિ જેવાં દૃશ્યો અરુચિકર અને શાસ્ત્રસંમત ન હોવાથી કે લાંબી યાત્રા, નિદ્રા, ભોજન જેવાં દૃશ્યો નીરસ અને અનુચિત હોવાથી એનો માત્ર સંકેત કરવો પડે. આ રીતે નાટકમાં દૃશ્યરૂપે રજૂ નહીં થઈ શકનારા અંશને સૂચિત કરવા માટે અર્થોપક્ષેપકો જેવી નાટ્યપ્રયુક્તિઓને ઉપયોગમાં લેવામાં આવે છે. અર્થોપક્ષેપકો એટલે અર્થનું ઉપક્ષેપણ (સંકેત) કરનાર, નાટ્યરૂઢિ. અલબત્ત, ભરતના નાટ્યશાસ્ત્રમાં ‘અર્થોપક્ષેપકો’ સંજ્ઞા વપરાયેલી નથી. એનો સૌ પ્રથમ ઉલ્લેખ કોહલમાં મળે છે. અને પછીથી આને અંગેનો ખ્યાલ વ્યવસ્થિત રીતે વિકસિત થયો છે. અર્થોપક્ષેપકો પાંચ છે : વિષ્કંભક કથાનકના નીરસ અથવા પ્રદર્શન માટે અનુચિત નાટ્યઅંશ સાથે કામ પાડે છે અને એક અંકને પછીના અંક સાથે સાંકળે છે. વિષ્કંભક બે પ્રકારના છે : શુદ્ધ અને સંકીર્ણ. શુદ્ધ વિષ્કંભક સંસ્કૃતમાં હોય છે અને એમાં નિમ્ન પાત્રો નથી હોતાં જ્યારે સંકીર્ણ વિષ્કંભકમાં મધ્યમ તેમજ નિમ્ન બંને પ્રકારનાં પાત્રો સંસ્કૃત-પ્રાકૃતમાં વ્યવહાર કરે છે. પ્રવેશકમાં વિષ્કંભકનાં બધાં જ લક્ષણો છે માત્ર ભેદ પાત્રો અંગેનો છે. વિષ્કંભકમાં પાત્રો મધ્યમ અને નિમ્ન હોવાથી સંસ્કૃત-પ્રાકૃતમાં વ્યવહાર કરે છે જ્યારે પ્રવેશકમાં બધાં જ નિમ્ન પાત્રો હોવાથી કેવળ પ્રાકૃતમાં જ વ્યવહાર થાય છે. બીજું, વિષ્કંભકને નાટકના આરંભે પણ ઉપયોગમાં લઈ શકાય છે, પણ પ્રવેશક બે અંકોની વચ્ચે જ આવે છે. વળી, વિષ્કંભકમાં બે પાત્રથી વધુ પાત્રો હોતાં નથી, પ્રવેશકમાં એવો કોઈ નિયમ નથી. અંકમુખ કે અંકાસ્યમાં અંકના અંત ભાગમાં પાત્રો પછીના અંકના નાટ્યવસ્તુને સૂચિત કરે છે. જેમકે ‘મહાવીરચરિત’ના બીજા અંકને અંતે સુમંત્ર, વશિષ્ઠ, વિશ્વામિત્ર અને પરશુરામના આગમનનો સંકેત કરે છે અને ત્રીજા અંકનો આરંભ એ ત્રણે પાત્રોના પ્રવેશથી થાય છે. આમ બે અંકો પરસ્પરથી સંકળાય છે. ચૂલિકા કે ચૂલામાં સ્ત્રી કે પુરુષ પાત્ર દ્વારા નેપથ્યમાંથી ભવિષ્યની ઘટનાનો સંકેત થાય છે. મસ્તકના પાછળના ભાગમાં જે ચૂલા (શિખા) હોય છે તેમ પડદાની પાછળથી સંકેત આવે છે તેથી આ પ્રયુક્તિ ચૂલિકા કહેવાય છે. આના ચૂલિકા અને ખંડચૂલિકા એવા બે પ્રકાર કરવામાં આવ્યા છે. પૂર્વસંકેત વગર કોઈ પાત્ર રંગભૂમિ પર પ્રવેશ ન કરે એવા ભરતનિયમને તેમજ પડદા પાછળના અવાજ દ્વારા પાત્ર સંખ્યાની કરકસરને ચૂલિકા સહાય કરે છે. અંકાવતારમાં એક અંકમાં આવતાં પાત્રો જ પછીના અંકના પ્રારંભમાં ચાલુ રહે છે અને એમ બે અંક વચ્ચે ભાગ્યે જ કોઈ અવકાશ રહે છે. ખરેખર તો એક અંકનું બીજા અંકમાં સાતત્ય જોવાય છે. નાટ્યવસ્તુ વિસ્તારશીલ હોય ત્યારે આ પ્રકારનો આભાસી વિરામ પ્રેક્ષકોને રાહત આપે છે. બીજી રીતે કહીએ તો અંકાવતાર ટૂંકા વિરામ સાથે દૃશ્યનું સાતત્ય દાખવે છે. આમ વિષ્કંભક અને પ્રવેશક તે અંકના પ્રારંભમાં આવતી પ્રયુક્તિઓ છે, ચૂલિકા અંકની મધ્યમાં આવતી પ્રયુક્તિ છે, તો અંકમુખ અને અંકાવતાર અંકના અંતે આવતી પ્રયુક્તિઓ છે. ચં.ટો.