ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્વાચીન-આધુનિક લક્ષણો


અર્વાચીન-આધુનિક ગુજરાતી સાહિત્યનાં લક્ષણો : આજની ભૂમિકા પરથી ગુજરાતી સાહિત્યનો, પશ્ચિમનાં પરિબળોના દબાણ હેઠળ, એનાં સ્વરૂપ અને પરિવર્તનોના સંદર્ભમાં વિચાર કરીએ તો મધ્યકાળથી આમૂલ વિચ્છેદ પામતો ૧૮૫૦થી ૧૯૬૦ પર્યંતનો લગભગ સો વર્ષનો પહેલો સમયખંડ ઘણુંખરું અંગ્રેજી સાહિત્યના પ્રવાહોથી સક્રિય રહ્યો છે જ્યારે ૧૯૬૦થી શરૂ થયેલો આજપર્યંતનો પચીસેક વર્ષનો બીજો સમયખંડ અંગ્રેજી સાહિત્યને અતિક્રમી યુરોપીય અને અમેરિકન સાહિત્યના પ્રવાહોથી સક્રિય થયો છે. આનો અર્થ એ કે મધ્યકાળને પડછે ગુજરાતી સાહિત્યનું પરિપ્રેક્ષ્ય અર્વાચીન અને પછી આધુનિક એમ બે પરિમાણોમાં પ્રગટ થાય છે. અને એ બંને પરિમાણોનું કારણ પશ્ચિમના સંસર્ગમાં જ રહેલું છે. ગુજરાતમાં અને ભારતમાં અન્યત્ર અંગ્રેજી પ્રજાના શાસનને કારણે અંગ્રેજી જીવનપદ્ધતિ અને અંગ્રેજી વિચારધારા સાથે અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજી સંસ્કૃતિનું સીધું આક્રમણ થયું. અંગ્રેજી વહીવટને અનુકૂળ અંગ્રેજી શિક્ષણપદ્ધતિ અને એનું માળખું ગોઠવાયું અને એ વાટે ગુજરાતની પહેલી નવી પેઢી અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં મુકાતાં અનુભવ અને સંવેદનની સામગ્રી તેમજ અભિવ્યક્તિની સીમાઓ તદ્દન બદલાઈ ગઈ. શરૂનો ગાળો આક્રમક રહ્યો. મધ્યકાલીન પદ્યનું સ્વરૂપ બદલાયું. એ દેશી ઢાળોમાંથી છંદો તરફ, ધર્મ અને ભક્તિમાંથી પ્રકૃતિ અને પ્રણય તરફ, નિર્વૈયક્તિક સમપિર્ત વ્યક્તિત્વમાંથી વૈયક્તિક સમપિર્ત વ્યક્તિત્વ તરફ, કર્તૃત્વની અને કવિત્વની અભાનતામાંથી કર્તૃત્વ અને કવિત્વની સભાનતા તરફ ઢળ્યું અને ગદ્યનું સાહિત્યસ્વરૂપ તેમજ એની વિવિધ અભિવ્યક્તિઓ તો મધ્યકાળમાં ક્યાંય નહોતી તે પહેલીવાર અસ્તિત્વમાં આવી. છતાં સમાજસુધારાની અસંમાર્જિત લાગણીઓને કારણે અને નવી અભિવ્યક્તિઓમાં અનુસરણની નરી પ્રાકૃતતાને કારણે નર્મદયુગનું સાહિત્ય સંકરકક્ષાનું હોય એવી છાપ પડે છે. નર્મદયુગની સંકરકક્ષાની અંગ્રેજી સાહિત્યની અસર પંડિતયુગમાં પહેલાં નરસિંહરાવ પાસે જતાં ઓછી પરિષ્કૃત છતાં રસપ્રદ સંમિશ્રણમાં તૈયાર થાય છે અને અંતે ‘કાન્ત’ જેવા કવિ પાસે સંપૂર્ણ સંયોજિત થઈ સિદ્ધ રસાયણમાં પરિણમે છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાના લાગણીના જોસ્સાથી વેગવતી ડહોળાયેલી કવિતા ‘કાન્ત’માં લાગણી અને વિચારનું સ્થાપત્ય શોધ્યા પછી લાગણી અને વિચારનાં ધ્રુવબિંદુઓ વચ્ચે ફરતી રહી છેવટે ઇંદ્રિયના પ્રદેશમાં સૌન્દર્યગામી બને છે. અંગ્રેજી નવલકથાના ખોખામાં મુકાયેલી નંદશંકરની ‘કરણઘેલો’થી આગળ વધી બહુ વહેલી તકે ગુજરાતી નવલકથા ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં પોતાની ઓળખ શોધી લે છે. એક છેડે મુનશીની રોચકતાથી અને બીજે છેડે ‘દર્શક’ની ગંભીરતાથી પોતાની વ્યક્તિતાનો પરિચય કરાવે છે. અંગ્રેજી નાટકની સીધી નકલખોરી શરૂમાં ધંધાદારી પારસી રંગમંચ પર પહોંચી હોવા છતાં ભવાઈ અને સંસ્કૃત નાટકની સમુચિત સામગ્રીએ ગુજરાતી અર્વાચીન નાટકનું નોખું કલેવર ઘડ્યું છે. ટૂંકી વાર્તા, ગુજરાતી અને મધ્યકાલીન કથાપરંપરાની બહારથી સીધું વિકસેલું અંગ્રેજી પ્રભાવ હેઠળનું ફરજંદ છે. સર્જાતા સાહિત્યનું વિવેચન અવલોકન કે એની આલોચનાનો અંગ્રેજી સાહિત્યના પરિચય વગર સંભવ નહોતો. સંસ્કૃતવિવેચનના માનદંડો અને એના સિદ્ધાન્તોને અંકે કરતાં જવા છતાં પદ્ધતિ અને અભિવ્યક્તિની બાબતમાં તેમજ કેટલાક પાયાના સાહિત્યસિદ્ધાન્તની બાબતમાં અંગ્રેજીવિવેચનાનું પ્રભુત્વ ગુજરાતીવિવેચન પર સતત રહ્યું છે અને એટલે જ સંસ્કૃત વિવેચનમાં ક્યાંય નથી એવું સાહિત્યેતર મૂલ્યવર્તી માવજત કરતી સમીક્ષાનું પોત લાંબા સમય સુધી, લગભગ સોએક વર્ષ સુધી પ્રવર્તમાન રહ્યું છે. પરંતુ સાહિત્યને કોઈ ને કોઈ રીતે સાધન કે ઉપાદાન બનાવતા જીવનલક્ષી અને વિષયલક્ષી પ્રવાહોની સામે શુદ્ધ સાહિત્યની વિભાવનાનો, યુરોપીય પ્રભાવનો, છેલ્લાં પચીસ વર્ષનો તબક્કો પણ ગુજરાતી સાહિત્ય માટે એટલો જ મૂલ્યવાન છે. યુરોપીય સાહિત્ય અને ચેતના સંદર્ભે અર્વાચીનયુગનાં છેલ્લાં ત્રીસેક વર્ષ દરમ્યાન કોઈ જાણકારી નહોતી એવું નહોતું. અર્વાચીનયુગની છેલ્લી પેઢી એનાથી પરિચિત હતી એના સંકેતો ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ યુરોપીય સાહિત્ય પરત્વેની પ્રતિક્રિયા તો ૧૯૫૫ પછીના આધુનિકયુગમાં જ જોવા મળે છે. બીજી રીતે કહીએ તો એટલે જ આધુનિકયુગનો મિજાજ હયાતીમાં આવે છે. અસ્તિત્વવાદી વિચારસરણીનું સ્પ્રિંગબોર્ડ અને પ્રતીકવાદના સિદ્ધાન્તોનું પ્રવર્તન ગુજરાતી સાહિત્યને પહેલીવાર શુદ્ધ સીમાઓ તરફ ખસેડે છે. સાહિત્યને વળગેલા કશાકના ઉપાદાન કે સાધન બનવાના મૂલ્ય પરથી હટીને સાહિત્યના પોતીકા મૂલ્ય પર ભાર આવીને ઊભો રહે છે. સાહિત્યમાં ભાષા કેવળ અભિવ્યક્તિનું માધ્યમ ન બનતાં માધ્યમ ખુદ અભિવ્યક્તિ તરીકે સ્વીકારાય છે. કવિતા અછાંદસ સીમાડે ગદ્યની પાસે જઈ, ગદ્યથી અતિરિક્ત રહેવાની હોડમાં મુકાઈ ભાષાના નાદને અનુસરતી કોંક્રિટ મુદ્રાઓ, અર્ધચેતનના આંતરિક સાદને પકડતી સરરિયલ ચેષ્ટાઓ, વિચ્છિન્ન સંવેદનોના ટુકડાઓના મોન્ટાકોલાજમાં જતી ક્યુબિસ્ટ પદ્ધતિઓથી કવિતાનું રૂપ બદલાયું, કથાસાહિત્યમાં કથાને સદંતર નહીંવત્ કરી દઈ કોઈ એકાદ ક્ષણ પર કે કોણ પર ટકી રહેતો ભાષાપટ મહિમાવાન બન્યો. ઘટના પરંપરાની આનુપૂર્વીનો અર્થ ખેંચી લઈ અસંબદ્ધ ક્રિયાશીલતા પર નાટ્યાત્મકતા અવતારવાનો એબ્સર્ડ થિયેટરનો સૂર નાટ્યક્ષેત્રે સર્વોપરી બન્યો. નિબંધે અંગતતાની સીમમાં રોપાઈને અતીતરાગમાંથી કલ્પનશ્રેણીઓની તરેહો જન્માવવાનું સ્વીકાર્યું અને વિવેચન સ્વરૂપવાદ, સંરચનાવાદ અનુસંરચનાવાદની પદ્ધતિઓથી સિદ્ધાન્તલક્ષિતાની સામે કૃતિલક્ષિતા તરફ ખસ્યું. પહેલાં અંગ્રેજી પ્રભાવે અને પછી યુરોપીય પ્રભાવે પ્રતિક્રિયાશીલ બનેલા ગુજરાતી સાહિત્યે આજની ક્ષણે પોતાનાં મૂળ અંદરખાને કશુંક શોધવામાં વાળ્યાં છે. આધુનિકતાનો પ્રભાવ હવે ઓસરી રહ્યો છે. સાહિત્યકૃતિ શુદ્ધ કલાથી મેળવેલી નવી સમજ સાથે ફરીને સમાજ અને જીવનની નિકટ જઈ રહી છે. ચં.ટો.