ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉખાણા


ઉખાણાં (Riddles) : મુક્તકનો એક પ્રકાર. સમસ્યા કે પ્રહેલિકા રૂપે પણ એનો ઉલ્લેખ થાય છે. વિધાનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હોય કે એના અર્થને પામવા કે ઉકેલવા બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવો પડે. આ સમસ્યાપૂર્ણ ઉક્તિ કે કથનમાં વાતને છુપાવીને વર્ણન કરવામાં આવ્યું હોય છે. ક્યારેક એમ પણ કહેવાયું છે કે બીજાને સંદેહમાં-સંશયમાં નાખે તેવું વર્ણનીય વસ્તુનું નામ એમાં ગુપ્ત રહેલું હોય છે. ગોષ્ઠિવિનોદમાં પોતાનું ચાતુર્ય દર્શાવવા અને અન્યના ચાતુર્યને ચકાસવા આવી પ્રહેલિકાનો ઉપયોગ થતો આવ્યો છે. સ્વરવ્યંજનની નુક્તેચીની સાથે લાઘવ અને ચોટ એ ઉખાણાનાં મુખ્ય લક્ષણ છે. મધ્યકાલીન સાહિત્યમાં જૈનજૈનેતર કવિઓએ પ્રહેલિકાઓને જુદા જુદા કામમાં વિપુલતાથી પ્રયોજી છે. વિદગ્ધ પ્રેમીઓ સમય પસાર કરવા માટે કે નાયિકા વિદગ્ધ નાયકની પસંદગી માટે પણ પ્રહેલિકા પૂછે. શામળે આ રીતે સમસ્યા કે ઉખાણાંને લાગ આવે ત્યાં થોકબંધ ગૂંથ્યાં છે. પ્રહેલિકા કે ઉખાણાંને પ્રજાકીય જીવન, સ્વભાવ, રૂઢિ, સમાજનું શાણપણ–વગેરેની સાંસ્કૃતિક સામગ્રી રૂપે પણ જોઈ શકાય. ચં.ટો.