ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉરુભંગ



ઉરુભંગ : ભાસને નામે જાણીતાં તેર નાટકો પૈકીનું એકાંકી નાટક. મહાભારત પર આધારિત આ નાટકમાં ગદાયુદ્ધમાં કૃષ્ણના ઇશારે ભીમ દુર્યોધનની સાથળ ભાંગી નાખે છે તે ઘટના આસપાસ જોડાયેલી કથા નિરૂપાયેલી છે. શરૂઆતમાં યુદ્ધભૂમિની વિભીષિકાના પાંડિત્યપૂર્ણ વર્ણન બાદ, દુર્યોધન પાસે તેનાં માતાપિતા, પત્નીઓ અને પુત્રનું આગમન; દુર્યોધનની અસંમતિ છતાં પાંડવોને મારવા અશ્વત્થામાની વિદાય; પોતે ગૌરવભરી વીરગતિ પામ્યો છે તેનો દુર્યોધનને થતો સંતોષનો અનુભવ અને મરણ નજીક છે ત્યારે તેના હૃદયમાંથી ધિક્કાર અને વેરની ભાવનાનો લોપ જેવી મુખ્ય ઘટનાઓ નિરૂપાઈ છે. દુર્યોધન વિલાપ કરતાં પોતાનાં માતાપિતાને, પત્નીઓને અને પુત્રને, પોતે વીરગતિને પામે છે તેનો સંતોષ અને અભિમાન લેવા વિનંતી કરે છે. ભીમે કૃષ્ણના, સાથળ ભાંગવાના ઇશારે પોતાને માર્યો છે તેથી પોતે વીરગતિ પામે છે એનું એને ગૌરવ છે. તે કહે છે : ‘‘વેર, વિગ્રહની કથા અને અમે નાશ પામી રહ્યા છીએ.’’ તેનો આવો સંતોષ અને અંત નિરૂપીને નાટકકારે તેને હૃદયપરિવર્તન અનુભવતો બતાવ્યો છે અને એ રીતે કલાન્યાય આપ્યો છે. આ એક આગવું તત્ત્વ છે જે આખાયે પ્રસંગને કરુણતાથી સભર ભરી દે છે. પાશ્ચાત્ય નાટ્યવિચારણાને આધારે આ નાટકને કરુણાન્તિકા તરીકે ખપાવવાનો પ્રયત્ન મૂલત : બરાબર નથી. આપણે આ નાટકને યોગ્ય રીતે જ કરુણરસસભર એકાંકી કહીએ. આ એકાંકી ચિત્તને એકાગ્ર અને પ્રસન્ન કરનારું બન્યું છે. ર.બે.