ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એરિસ્ટોટલ


એરિસ્ટોટલ : ગ્રીક ફિલસૂફ અને વિજ્ઞાની. પ્લેટોનો શિષ્ય. અનેક વિષયો પરનાં એનાં બચી ગયેલાં લખાણોની જેમ એનો સાહિત્યસિદ્ધાન્ત પરનો પ્રબંધ ‘પોએટિક્સ’ પણ વ્યાખ્યાનનોંધો જેવો અને અધૂરો છે છતાં અત્યાર સુધીનાં પશ્ચિમના કાવ્યશાસ્ત્રોનો એ માનદંડ અને લેખકો તેમજ વિવેચકોની હાથપોથી રહ્યો છે. અલબત્ત, દરેક યુગમાં એનાં અર્થઘટન બદલાયાં કર્યાં છે. છતાં પ્લેટોના કાવ્યશાસ્ત્રના વણઊકલ્યા વિરોધાભાસોને વ્યવસ્થાતંત્ર દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિ પ્રદાન કરી એરિસ્ટોટલે લગભગ ઘણાખરા સાહિત્યિક પ્રશ્નોનો પરામર્શ કર્યો છે. જેનો ઊહાપોહ આજદિન સુધી ચાલુ છે. બાઈવોટર માને છે કે એરિસ્ટોટલનો આજે અધૂરો મળતો ગ્રન્થ પહેલાં બે ખંડમાં હોવો જોઈએ. પહેલા ખંડમાં લલિતકલાઓનું સ્વરૂપ અને ટ્રેજિડિ મહાકાવ્યની ચર્ચા છે તો બીજા ખંડમાં કોમેડી અને કેથાસિર્સનું નિરૂપણ હશે. હાલ તો પહેલો જ ખંડ ઉપલબ્ધ છે. એ ૨૬ પ્રકરણોમાં વિભક્ત છે. પહેલાં ત્રણ પ્રકરણમાં લલિતકલાની ચર્ચા છે અને પછીનાં ૨૩ પ્રકરણોમાં કાવ્યચર્ચા છે. એમાં ય એનો મુખ્ય ભાર ટ્રેજિડિ પર છે. ૪-૫ પ્રકરણોમાં કાવ્યનો ઉદ્ગમવિકાસ સ્પર્શીને એ ૬થી ૧૬ પ્રકરણોમાં ટ્રેજિડિની વ્યાખ્યા આપી એના ઘટકોની સવિસ્તર ઊંડી ચર્ચા હાથ ધરે છે અને કથાનક, સ્વભાવદર્શન, વિચારો તેમજ દૃશ્ય-ગીતો-ભાષા પર ભાષ્ય કરે છે; ઉપરાંત કાવ્યાત્મક સત્ય ઐતિહાસિક સત્ય કરતાં નિરાળું છે એવા સિદ્ધાન્તની સ્થાપના કરી છે. ૧૭ અને ૧૮ પ્રકરણોમાં ટ્રેજિડિ રચવા ઇચ્છતા નવોદિત નાટ્યકારને માર્ગદર્શન આપ્યું છે. ૧૯-૨૨ પ્રકરણોમાં કાવ્યશૈલીનો અને ભાષાનો વિચાર કર્યો છે, તો ૨૩, ૨૪, ૨૬ પ્રકરણમાં મહાકાવ્યની અને ટ્રેજિડિની તુલના કરી છે. વચ્ચે ૨૫-મા પ્રકરણમાં કાવ્યરચના પરના કેટલાક આક્ષેપોનું ખંડન કર્યું છે. આમ, આ ગ્રન્થ મુખ્યત્વે તો ટ્રેજિડિનું કાર્ય અને એના સ્વરૂપસિદ્ધાન્તોને વિશ્લેષે છે. સાહિત્યમાં અનુકરણની વિશેષતા; ઐતિહાસિક સત્ય કરતાં સાહિત્યનું જુદું સત્ય; સાહિત્યમાં કથાનકનું મહત્ત્વ; સાહિત્યનું વિવેચન દ્વારા નૈતિકક્ષેત્રને વિલક્ષણ પ્રદાન; કાવ્યભાષાની અપૂર્વ સિદ્ધિ – જેવા મહત્ત્વના સાહિત્યિક વિષયોનું એરિસ્ટોટલે સાચા અર્થમાં ઉદ્ઘાટન કર્યું છે. ચં.ટો.