ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કક્કો અને માતૃકા


‘કક્કો’ અને ‘માતૃકા’ : મધ્યકાલીન ઉપદેશપ્રધાન પદસાહિત્યના વિશિષ્ટ અંગરૂપ વર્ણમાલાના ૨૬ અક્ષરોને સમાવતી ‘કક્કો’ નામે ઓળખાતી રચના અને વર્ણમાલાના ૫૨ અક્ષરોને સમાવતી ‘માતૃકા’ નામે પ્રચલિત રચના પ્રારંભમાં પ્રથમ જૈન સાધુઓને હાથે ઠીક ઠીક પ્રમાણમાં રચાઈ છે. બાળકોને અક્ષરજ્ઞાન કરાવનાર આ સાધનનો જૈનસાધુઓ-કવિઓએ અન્ય જ્ઞાન કે બોધ આપવાના વાહન તરીકે વિનિયોગ કર્યો છે. આ બન્ને પ્રકારના કાવ્યમાં વર્ણમાલાના પ્રત્યેક વર્ણથી પ્રારંભી પદ્ય કે કડીની વર્ણક્રમાનુસાર સંકલના કરવામાં આવે છે. માતૃકા ‘અ’થી શરૂ થતી અને ચોપાઈ (ચઉપઈ)માં લખાતી અને કક્કા ‘ક’થી શરૂ કરવામાં આવતા અને બહુધા દોહરામાં લખાતા. આરંભમાં કવિ પદ્મકૃત ‘સાલિભદ્ કક્ક’ અને ‘દૂહા માતૃકા’ (શ્રીધર્મ માતૃકા દૂહા), અજ્ઞાતકૃત ‘માતૃકા ચઉપઈ’ જગડુકૃત ‘સમ્યકત્વ માઈ ચઉપઈ’ અને અજ્ઞાતકૃત ‘સંવેગ માતૃકા’ જેવી કૃતિઓ ચૌદમા શતક સુધી પ્રાપ્ત થાય છે. જૈનેતર કવિઓના ‘કક્કા’ સત્તરમા શતકના અંત પહેલાં પ્રાપ્ત થતા નથી. તેનો પહેલો નમૂનો તે અખાકૃત ‘કક્કો’ છે. આ પછી ધીરાકૃત, પ્રીતમદાસકૃત ‘કક્કા’ અને જીવણદાસકૃત’ ‘જ્ઞાનનો કક્કો’ નોંધનીય છે. ક.શે.