ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કટારલેખન-સ્તંભલેખન
કટારલેખન/સ્તંભલેખન (Column writing) : દૈનિકો–વર્તમાનપત્રો કે સામયિકોમાં તરત ઓળખાઈ જાય એવા શીર્ષક સાથે કોઈ ચોક્કસ લેખક નક્કી કરેલા વિષયની સાંપ્રત સમસ્યાઓ પર લખતો હોય છે. એમાં તત્કાલીન સદ્ય પ્રતિભાવને સરલ પ્રત્યાયનથી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન હોય છે. આવાં લખાણો સમયની માગને સ્વીકારીને ચાલતાં હોવાથી ઓછાં ગંભીર, ઓછાં ચુસ્ત અને લોકરુચિને અનુસરતાં હોય છે. સાહિત્યિક કટારોમાં મુખ્યત્વે પુસ્તકનાં અવલોકનો, કાવ્યાસ્વાદો પ્રગટ થાય છે. ક્યારેક કોઈ સાહિત્યિક પ્રશ્નની માંડણી થતી હોય છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘જન્મભૂમિ’ની ‘કલમ અને કિતાબ’ કટારનું લખાણ નમૂનારૂપ રહ્યું છે.
ચં.ટો.