ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથનવિજ્ઞાન


કથનવિજ્ઞાન (Narratology, narrativics) : સંવાદ, વર્ણન, ટિપ્પણ જેવા અન્ય ભાષાબંધોથી કથનના ભાષાબંધને અલગ કરવામાં આવ્યો છે. કથન એ પ્રસંગોની કે ઘટનાઓની શ્રેણીઓને સાંકળવાની પ્રક્રિયા છે. કથનોના વિશ્લેષણ પરના સાહિત્ય-અભ્યાસની શાખા માટે ૧૯૬૯થી ‘કથનશાસ્ત્ર’ જેવી સંજ્ઞા પ્રચારમાં છે. કથનશાસ્ત્રનો મૂળભૂત રસ એ છે કે કથનાત્મક ભાષાબંધ કથાને (સમયમાં વિસ્તરેલી ઘટનાઓની શ્રેણીને) સુયોજિત કથાનકમાં કઈ રીતે ઢાળે છે. ટૂંકમાં, કથનશાસ્ત્ર કથાસાહિત્યનું શાસ્ત્ર રચવા માગે છે. કથનશાસ્ત્ર બધા પ્રકારની વાર્તાઓ કે કથાઓ, કાલ્પનિક કે અકાલ્પનિક કથાઓ સાથે નિસબત ધરાવે છે. આ નિસબત કથનમૂલક ભાષાબંધના અભ્યાસ તરીકે એના સ્વરૂપગત પાસા રૂપે હોઈ શકે અને ભાષાબંધ સાથે સંલગ્ન કાર્યો અને પ્રસંગોની શ્રેણીના વિશ્લેષણ તરીકે વિષયવસ્તુગત પાસા રૂપે પણ હોઈ શકે. કથનશાસ્ત્રના ટૂંકા ઇતિહાસમાં પ્રતિમાનમૂલક ફેરફારો વારંવાર થયા છે. સપાટી પર કથનશાસ્ત્ર પ્રમાણમાં સંગત અને લગભગ અખંડિત સૈદ્ધાન્તિક પરિયોજના લાગે છે પરંતુ વસ્તુત : એમાં વિવિધ પદ્ધતિઓ અને અભિગમો સામેલ છે. આધુનિક સિદ્ધાન્ત તરીકે ‘કથનશાસ્ત્ર’ પ્રધાનપણે યુરોપીય સંરચનાવાદ સાથે સંકલિત છે. અલબત્ત, કથનનાં સ્વરૂપો અને એની પ્રવિધિઓ પરના આ પૂર્વેના અભ્યાસોને પણ કથનશાસ્ત્રનાં લખાણો તરીકે ઓળખાવી શકાય. આમ જોઈએ તો આધુનિક કથનશાસ્ત્રનાં મૂળ લાદિમિર પ્રોપના ‘લોકકથાનું અર્થસ્વરૂપ’(૧૯૨૮)માં જડે છે. શ્ક્લોવ્સ્કી અને પ્રોપ જેવા રશિયન સિદ્ધાન્તકારોથી રોલાં બાર્થ અને ગેરાર જેનેત જેવા ફ્રેન્ચ સંરચનાવાદીઓથી તેમજ ફ્રાંઝ સ્ટાન્ત્સેલ અને વાયને બૂથ જેવા અમેરિકન વિવેચકોથી વિકસેલું કથનશાસ્ત્ર સંકલન, વિનિયોગ, કસોટી અને પરિષ્કરણ જેવી પ્રક્રિયામાંથી પસાર થતું રહ્યું છે. વળી, કથનવિશ્લેષણમાં ફૂકો, દેરિદા, લુકાચ, દેલ્યૂઝ જેવા વિચારકોનો પ્રભાવ પણ એના પર પડ્યા કર્યો છે. કથનશાસ્ત્રમાં કથિત (Narrated)ની સામગ્રી (ઘટના અને પાત્રો), કથન કરવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની રીતિઓ, કથનનું અભિગ્રહણ વગેરે વિષયો મહત્ત્વના રહ્યા છે. એમાં કથક (Narrator) અને કથનગ્રાહી (Narratlee)ના પ્રકારો પણ તપાસાય છે. કથનશાસ્ત્રે અનુકાલિક પરિમાણ, પારંપરિક વિષયવસ્તુ, અર્થઘટન અને મૂલ્યાંકનને છોડી કથનાત્મક કૃતિ કઈ રીતે કાર્ય કરે છે એને શોધવા પર અને વર્ણવવા પર તેમજ સાર્વત્રિક તંત્ર ઊભું કરવા પર ભાર મૂક્યો છે. કાલવ્યુત્ક્રમ (Anachronies), કથનગતિ (Narrative speed), કથનાવૃત્તિ (Narrative frequency), કથનમૂલક દૂરત્વ (Narrative distance) વગેરેનો અભ્યાસ કથનશાસ્ત્રની મહત્ત્વની ઉપલબ્ધિઓ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કથનશાસ્ત્રમાં વિન્યાસના અભ્યાસથી અર્થક્ષેત્ર (Semantics) તરફનો અભિગમ વિકસ્યો છે. વળી, સંદર્ભવાદી અભિગમ સક્રિય બન્યો છે. આથી ‘સંરચનાઓ’ને સ્થાને ક્રિયા (act) પર ભાર મુકાયો છે. કાલવાચકતા (Temporality)નો ખ્યાલ પણ દાખલ થયો છે. ઉપરાંત સંજ્ઞાનાત્મક દૃષ્ટિબિંદુના પ્રવેશ સાથે કૃતિસંદર્ભે આકલન અને સ્મૃતિ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ પર લક્ષ્ય ગયું છે. આનો અર્થ એ થયો કે સાહિત્યિકૃતિના વ્યાકરણ અને એની રુઢિઓની સર્વોપરિતાને બદલે કૃતિની ઊર્જા અને એની ગતિને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. સમકાલિક નિશ્ચિતતા નહીં પરંતુ આનુપૂર્વીતાનું મહત્ત્વ, વાચનની ક્રિયા, કથાનકનો વિકાસ, વિષયવસ્તુગત પ્રતિબિંદુ વગેરે મુદ્દાઓ ઊપસી રહ્યા છે. સમાજભાષાવિજ્ઞાન અને વાક્કર્મવિચાર કથનશાસ્ત્રને નવી દિશા ચીંધી શકશે એવું સ્વીકારાઈ રહ્યું છે. કથનશાસ્ત્ર સંદર્ભે ગેરાર પ્રિન્સનું ‘અ ડિક્શનરી ઓવ નેરેટોલોજી’(૧૯૮૭) જેવું કોશપુસ્તક મહત્ત્વનો સંદર્ભગ્રન્થ બની શકે તેમ છે. ચં.ટો.