ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાબિંબ


કથાબિંબ (story type) : કથાપ્રકૃતિ કે કથામાનકરૂપ જેવી સંજ્ઞાઓ પણ આને માટે વપરાય છે. લોકવિદ્યા અંતર્ગત આ પર્યાયનો અર્થ વિવિધ સમાન જણાતી કથાઓનું મૂળભૂત કે પછી સર્વસામાન્ય એવું કથાનક માળખું – એવો થાય છે. કોઈએક જ ભાષામાં પ્રચલિત વિવિધ કથાઓ, એક જ ભાષાક્ષેત્રના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં પ્રચલિત વિવિધ કથાઓ, કોઈએક કથાનાં વિવિધ સમયસમયનાં અવતરણો અને રૂપાન્તરો તેમજ વિવિધ દેશોમાં પ્રચલિત કોઈ કથા વગેરેમાં જ્યારે કથાનકમાં સામ્ય જણાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ આવી કથાઓ કોઈએક જ કુળની હોવાનો સંભવ લાગે છે. અભ્યાસીઓએ કથાનાં પાત્રનામ, સ્થળનામ, વર્ણનો, અન્ય વીગતો વગેરેને ગાળીને તે કથાનાં કથાનકોનાં માળખાંનો સંક્ષેપ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. આને કારણે ‘કાદંબરી’ જેવી કથાને પણ એક પૃષ્ઠમાં જ મૂકી શકાય છે. કથા જન્મવાની પરિસ્થિતિ શી છે, સંઘર્ષ, પરાકાષ્ઠા, વળાંક, નિવારણ, અંત કેવી રીતે છે તેને સંક્ષેપમાં રજૂ કરવાની પદ્ધતિ હાથ લાગી છે. આ રીતે કોઈ કથાના કથાનકનું માળખું તૈયાર થઈ જાય તે પછી તેને મળતી બીજી એવી કથાઓ ક્યાં જુદી પડે છે, કેવી રીતે જુદી પડે છે તે નક્કી કરવાનું પણ સરળ થઈ જાય છે પરંતુ સમાન લાગતી કથાઓનાં કથાનકના આધારે એની આધારરૂપ મૂળકથાના કથાનકનું માળખું, એનું માનકરૂપ નિશ્ચિત કરવું સહેલું નથી. સમાન લાગતી કથાઓમાં પ્રાચીનતમ અને આદિસ્રોતરૂપ કથા કઈ, એ ક્યાં જન્મી એનું પગેરું શોધવું અને એનાં જન્મનાં સ્થળ અને કાળનો નિર્ણય કરવો એ સંકુલ પ્રકારનો અભ્યાસ છે. હ.યા.