ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પનવાદ


કલ્પનવાદ (Imagism) : પહેલા વિશ્વયુદ્ધ પૂર્વે ૧૯૦૯–’૧૭ દરમ્યાન ઇંગ્લેન્ડ અને અમેરિકાની કવિતામાં ઉદ્ભવેલો સાહિત્યિકવાદ. ટી. ઈ. હ્યૂમ, એફ. એસ. ફ્લિન્ટ અને એઝરા પાઉન્ડ આ વાદના મુખ્ય પ્રણેતાઓ હતા. પાછળથી એચ. ડી., રિચર્ડ ઓલ્ડિંગ્ટન, એમિ લોવેલ, ફોર્ડ મેડક્સ ફોર્ડ વગેરે કવિઓ પણ આ આંદોલન સાથે જોડાયા હતા. ૧૯૧૪ પછી એઝરા પાઉન્ડ કલ્પનવાદી જૂથથી અળગા થઈ ગયા હતા. કલ્પનવાદીઓ ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓ, બર્ગસોંની ફિલસૂફી અને હાર્ટની મનોવૈજ્ઞાનિક વિચારણાથી પ્રભાવિત હતા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની વિકટોરિયન કવિતાથી અસંતુષ્ટ આ કવિઓએ સામાન્ય વિધાનોમાં સરી જતી, અમૂર્ત વિચારોથી ભરેલી બુદ્ધિગમ્ય કવિતાને બદલે ઇન્દ્રિયગમ્ય કલ્પનોવાળી નક્કર કવિતાને વિશેષ મૂલ્યવાન માની. વિચારને વ્યક્ત કરતો શબ્દ નહીં, પદાર્થને વ્યક્ત કરતો શબ્દ મહત્ત્વનો બન્યો. નૈતિક ઉપદેશ કે ભાવાવેશમાં નહીં, પરંતુ તટસ્થપણે વસ્તુનું નક્કર ચિત્ર આલેખવામાં અને એ દ્વારા કવિની મન :સ્થિતિ (Mood)ને અભિવ્યક્ત કરવામાં સાચી કવિતા છે. એટલે કાવ્યમાં કલ્પન (Image)નો ખૂબ મહિમા થયો. કલ્પન એ સુશોભન નથી, એ જ કાવ્યની ભાષા છે. વસ્તુના સંપર્કથી કવિના ચિત્તમાં વસ્તુનું જે ભાવમય અને વિચારમય સંકુલ રૂપ બંધાય છે તે કલ્પન રૂપે આવિષ્કૃત થાય છે. એટલે કલ્પનને વિચાર સાથે નહીં, અંત :સ્ફુરણા (Intuition) સાથે સંબંધ છે. કલ્પનનિર્ભર કવિતા ટૂંકી, સુસ્પષ્ટ અને ચુસ્ત હોય. કોઈ પૂર્વનિશ્ચિત આકાર કે લય નહીં, કલ્પનને અનુવર્તતા લય ને આકાર એના હોય. એમાં એકપણ શબ્દ નકામો ન હોય. આમ કલ્પનવાદીઓએ કાવ્યની સામગ્રીમાં નહીં, પરંતુ અભિવ્યક્તિમાં કાવ્યનું સૌન્દર્ય જોયું. કલ્પનવાદે પોતાની કવિતાનો જે નકશો આંક્યો એને અનુરૂપ કવિતા એમના જૂથના જ બધા કવિઓ રચી શક્યા નથી. ઘણી કલ્પનવાદી કવિતા સાવ સામાન્ય કોટિની છે અને તોપણ વીસમી સદીની કવિતાની કાયાપલટ કરવામાં કલ્પનવાદીઓએ વ્યક્ત કરેલા વિચારોનો ઘણો મોટો ફાળો છે. જ.ગા.