ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાફી


કાફી : મધ્યકાલીન કવિ ધીરાએ આપેલો ચુસ્ત પદબંધ પ્રકાર. કાફી રાગમાં ગવાતી હોવાથી કાફી નામ એને મળ્યું હોવાની સંભાવના કરી શકાય. કાફીના પ્રવેશક, વિસ્તારક અને વિરામક એવા ત્રણ વિભાગ પાડી શકાય. પ્રવેશકમાં મુખ્ય વસ્તુને પ્રવેશ મળે છે; વિસ્તારકમાં પ્રવેશ પામેલું વસ્તુ વિસ્તાર સાધે છે અને વિરામકમાં વિસ્તાર પામેલું વસ્તુ સંકેલાય છે. વિરામકમાં ધીરો મધ્યકાલીન પ્રણાલિ પ્રમાણે અચૂક એનું નામ દાખલ કરે છે. પ્રવેશકમાં બે પંક્તિના એક એકમ પછી ત્રણ પંક્તિનું એક, એવા ચાર એકમ આવે છે. વળી, ત્રણ પંક્તિના આ એકમમાં બે પંક્તિ સાખીના પ્રકારની હોય છે, જ્યારે ત્રીજી પંક્તિ શરૂની બે પંક્તિના સાદૃશ્યમાં રચાઈને પ્રવેશકના એકમ સાથે સંયુક્ત થતી લાગે છે. ધીરાની આવી કાફીઓમાં અવળવાણી તળપદા બળ સાથે આસ્વાદ્ય રીતે પ્રગટી છે. ધીરા ઉપરાંત ભોજો, બાપુસાહેબ ગાયકવાડ અને ઉમેદચંદની કાફીઓ મળી આવે છે. ચં.ટો.