ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કામસૂત્ર


કામસૂત્ર : માનવજીવનના ચાર પુરુષાર્થો : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી મનુષ્યનાં બહુધા વર્તન-વ્યવહારોના ચાલક પરિબળ કામવૃત્તિ વિશેની વિસ્તૃત અને શાસ્ત્રીય વિચારણા કરતો, મહર્ષિ વાત્સ્યાયનરચિત સંસ્કૃત ગ્રન્થ. સૂત્રાત્મક રચના-નિબંધન ધરાવતો આ ગ્રન્થ વસ્તુત : વાત્સ્યાયનની મૌલિક રચના નથી. શ્રુતિ અનુસાર, પ્રજાપતિ બ્રહ્માએ મનુષ્યના સર્જન સાથે જ તેના ચાર પુરુષાર્થોની મીમાંસા કરતા, એક લાખ અધ્યાયો ધરાવતા આકરગ્રન્થની રચના કરી હતી. એ પૈકી કામશાસ્ત્ર ઉપરના વિસ્તૃત ગ્રન્થ-ખંડનો સારસંક્ષેપ, મહાદેવના ગણ નંદિ, ઉદ્દાલક મુનિના પુત્ર શ્વેતકેતુ અને બાભ્રવ્ય પંચાલ વગેરેએ સાધારણ અધિકરણ, સાંપ્રયોગિક, કન્યા સંપ્રયુક્ત, ભાર્યાધિકારિક, પારદારિક, વૈશિક અને ઔપનિષદક જેવાં સાત અધિકરણોમાં વિભાજિત દોઢસો અધ્યાય રૂપે કર્યો હતો. એ સારસંક્ષેપનાં સાતેય અધિકરણો પર નારાયણ, સુવર્ણનાભ, ઘોટકમુખ, ગામર્દીય, ગોણિકામુખ, દત્તક અને કુચિમાર જેવા કામવિદ્યાના આચાર્યોએ સ્વતંત્ર ગ્રન્થોની રચના કરી. પરંતુ સામાન્ય જનો માટે એ ગ્રન્થો તેની દીર્ઘસૂત્રિતાને લીધે દુર્લભ બની રહ્યા. આ સ્થિતિમાં મહર્ષિ વાત્સ્યાયને સૂત્રાત્મક શૈલીએ સૂચિત સાતેય અધિકરણ-ગ્રન્થોનો સારાંશ કામસૂત્રમાં આપ્યો છે. સાત અધિકરણો, ચૌદ પ્રકરણો અને છત્રીસ અધ્યાયોમાં વિભક્ત આ ગ્રન્થમાં ૧૨૫૦ શ્લોકો છે. પ્રસ્તુત ગ્રન્થમાં ચાર પુરુષાર્થોમાંના કામની મહત્તા, તેની ઉપયોગિતા, સ્ત્રી-પુરુષસંબંધ, વિવાહ, લગ્ન, પ્રથમ રાત્રિ, શય્યા, ભોજન, વાણી-વ્યવહાર, નાયક-નાયિકાભેદ, રતિભેદ, પ્રીતિભેદ, આલિંગન, ચુંબન, નખક્ષત, દંતદશન, સંભોગ-આસનો, સંભોગપ્રક્રિયા, વિપરીત-ક્રિયા, મુખમૈથુન, પરસ્ત્રીગમન, દૂતીકર્મ, વેશ્યાવૃત્તિ, વશીકરણવિદ્યા, વાજીકરણ, નપુંસકતા, સંતાનપ્રાપ્તિ અને નારીએ પ્રાપ્ત કરવાની ૬૪ કલાઓ જેવાં વિષયાંગોની તલસ્પર્શી સમજ આપવા સાથે દાંપત્યસુખ શી રીતે સ્થાયી અને આહ્લાદક બની શકે તે રચનાત્મક અભિગમથી નિરૂપાયું છે. ર.ર.દ.