ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાર્યાવસ્થા


કાર્યાવસ્થા : સંસ્કૃત નાટ્યસિદ્ધાન્તમાં કૃતિના નાયકે સાધ્યફલની પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કરવાનો છે, જે વ્યાપારશૃંખલાનો પ્રસાર કરવાનો છે એની પાંચ સ્થિતિઓ કે અવસ્થાઓ દર્શાવાઈ છે. ભરતના નાટ્યશાસ્ત્રે એને ‘વ્યવસ્થાપંચક’ની સંજ્ઞા આપી છે. પણ પછીથી એ કાર્યાવસ્થા તરીકે પ્રચલિત છે. કાર્યાવસ્થા પાંચ છે : આરંભ, યત્ન, પ્રાપ્ત્યાશા નિયતાપ્તિ અને ફલાગમ. ફલપ્રાપ્તિની ઉત્કટતા-ઉત્કંઠાથી મુખ્યત્વે નાયક કે નાયિકા કાર્ય આરંભ કરે છે. એને માટે ત્વરાથી યોજનાપૂર્વક યત્ન શરૂ કરે છે, ફલપ્રાપ્તિ, સંભાવના અને વિઘ્ન વચ્ચે દોલાયમાન હોય ત્યારે એ અવસ્થા પ્રાપ્ત્યાશા કહેવાય છે. વિઘ્નના અભાવથી ફલપ્રાપ્તિ નિશ્ચિત બને એ નિયતાપ્તિ છે. કાર્ય પૂર્ણપણે સિદ્ધ થાય એ અવસ્થા ફલાગમ છે. ચં.ટો.