ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્ય


કાવ્ય (Poem) : સૌન્દર્યાનુભવ ઊભો કરવા છાંદસ રૂપમાં કે તરેહયુક્ત ભાષામાં થયેલી સાહિત્યિક રચના. છંદ અને પ્રાસનાં તત્ત્વો સામાન્ય રીતે એમાં ઉપસ્થિત હોઈ શકે પણ આવશ્યક નથી. વિન્યાસવૈવિધ્ય, વિશિષ્ટ શબ્દસંયોજન અને અલંકારાયોજનની સહાય લઈને અભિવ્યંજનાના અને શબ્દોના આંતરસંબંધોના વિનિયોગથી કાવ્ય એવું કશુંક રજૂ કરે છે જે ગદ્યની અભિવ્યક્તિક્ષમતાની બહારનું હોય છે. કાવ્ય એ રીતે ગદ્યની અને હકીકતલક્ષી તેમજ વિજ્ઞાનલક્ષી લેખનની વિરુદ્ધની વસ છે. વળી, કસબપૂર્ણ અને યાંત્રિક પદ્યથી પણ ભાવોત્કટ કાવ્યને જુદું પાડવું પડે. નરસિંહરાવ દિવેટિયાએ ‘કાવ્યની શરીરઘટના’ લેખમાં કાવ્યને કવિતાથી પણ ભિન્ન ઓળખાવ્યું છે. એમના મત પ્રમાણે કાવ્ય એટલે Poem, છૂટક કાવ્યરચના કવિત્વકૃતિ; જ્યારે કવિતા એટલે Poetry, કવિત્વપ્રવૃત્તિ. ચં.ટો.