ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યાનુશાસન


કાવ્યાનુશાસન : જૈન આચાર્ય હેમચન્દ્રનો બારમી સદીના પૂર્વાર્ધનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થ ૨૦૮ સૂત્રોમાં લખાયેલો છે અને આઠ અધ્યાયોમાં વિભક્ત છે. પહેલા અધ્યાયમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, પ્રતિભા, શબ્દશક્તિ ઇત્યાદિની ચર્ચા છે. બીજા અધ્યાયમાં રસ ને રસના પ્રકાર દર્શાવ્યા છે. ત્રીજામાં દોષનું અને ચોથામાં ગુણનું વિવરણ છે. પાંચમા અધ્યાયમાં છ શબ્દાલંકાર અને છઠ્ઠા અધ્યાયમાં ૨૯ અર્થાલંકારો વર્ણવ્યા છે. સાતમા અધ્યાયમાં નાયકનાયિકા ભેદ બતાવ્યા છે અને આઠમા અધ્યાયમાં પ્રેક્ષ્ય તથા શ્રવ્ય કાવ્યપ્રકારો ચર્ચ્યા છે. આ મૌલિક ગ્રન્થ નથી પરંતુ સંક્લન કે સંદોહનગ્રન્થ છે. ‘કાવ્યમીમાંસા’, ‘કાવ્યપ્રકાશ’, ‘ધ્વન્યાલોક’ અને અભિનવગુપ્તના ગ્રન્થનું આ ગ્રન્થ પર ખાસ્સું ઋણ છે. હેમચન્દ્રે આ ઉપરાંત ‘છન્દોનુશાસન’, ‘દ્વયાશ્રયકાવ્ય’, ‘અભિધાનચિંતામણિ’, ‘દેશીનામમાલા’, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’, ‘સિદ્ધહેમ’ વગેરે અનેક ગ્રન્થ રચ્યા છે. હેમચન્દ્રનો જન્મ અમદાવાદ નજીકના ધંધુકા ગામે થયો હતો. પિતાનું નામ ચાચંગ અને માતાનું પાહિની. હેમચન્દ્રનું મૂળ નામ ચાંગદેવ. વિદ્યાકેન્દ્ર પાટણમાં તેઓ સિદ્ધરાજની સભાના રાજકવિ હતા અને જૈન સંપ્રદાયમાં ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પામ્યા હતા. ચં.ટો.