ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કિરાતાર્જુનીય


કિરાતાર્જુનીય : મહાકવિ ભારવીકૃત છઠ્ઠી સદીનું સંસ્કૃત મહાકાવ્ય. ૧૮ સર્ગમાં વિભક્ત એનું કથાનક મહાભારતના ‘વનપર્વ’ પર આધારિત છે. પાંડવોના અરણ્યવાસથી આરંભાતા આ કાવ્યમાં યુધિષ્ઠિર ગુપ્તચર દ્વારા દુર્યોધનની શાસનવ્યવસ્થા અંગેની વીગતો જાણે છે. દ્રોપદી યુધિષ્ઠિરને દુર્યોધન સામે યુદ્ધ કરવા પ્રેરે છે અને ભીમ એને અનુમોદન આપે છે. બીજી બાજુ અર્જુન પોતાનાં તપોબલથી અને યુદ્ધકૌશલથી કિરાતવેશધારી શિવને પ્રસન્ન કરી કૌરવો સામે પ્રયોજવા પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરે છે. ભારવીની નારિકેલપાક જેવી પ્રૌઢ શૈલી અર્થગંભીર છે. અને વીરસ તેમજ ઓજોગુણયુક્ત છે. શરૂના ત્રણ વર્ગ અર્થકઠિનતાને કારણે ‘પાષાણાત્રય’ ગણાયા છે. ક્યારેક અલંકારની અનાવશ્યક અતિરેકતા અને આયાસસિદ્ધ કાવ્યબંધની કૃતકતા છતાં સંસ્કૃત મહાકાવ્યની પરંપરામાં આ ગ્રન્થ પ્રૌઢ ગણાયો છે, એટલું જ નહીં સંસ્કૃત મહાકાવ્યની બૃહત્રયી(કિરાતાર્જુનીય, શિશુપાલવધ, નૈષધીયચરિત)માં એનું પ્રમુખ સ્થાન છે. ચં.ટો.