ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૃતિ



કૃતિ : વીસમી સદીના સાતમા દાયકામાં નવોન્મેષશાલી સાહિત્ય સર્જકોની રચનાઓ તથા વિવેચકોની વિવેચનાને પ્રસિદ્ધિ આપતું, આદિલ મન્સૂરી, મુકુંદ પરીખ, ઇન્દુ પુવાર, સુભાષ શાહ અને લાભશંકર ઠાકરના સંપાદન તળે પ્રગટ થયેલું માસિક. ૧૯૭૨માં પ્રકાશન બંધ. ‘મારી આંખે કંકુના સૂરજ..’, ‘દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ’, ‘સોનલદેને લખીએ’ – જેવાં રાવજી પટેલ, રાજેન્દ્ર શુક્લ અને રમેશ પારેખનાં કાવ્યો, ‘એક ઉંદર અને જદુનાથ’ જેવું પ્રયોગધર્મી નાટક; ‘ DASEIN’ અને ‘પાનકોર નાકે..’ જેવી વાર્તાઓ તેમજ ટેનેસી વિલિયમ્સ, જ્યાં પોલ સાર્ત્ર, એડવર્ડ એલ્બી અને સેમ્યુઅલ બેકેટનાં નાટકોના અનુવાદો પ્રકાશિત કરનારા ‘કૃતિ’એ એના નવા અભિગમ તથા ગઝલ અને વાર્તા વિશેષાંકોથી સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું હતું. ર.ર.દ.