ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગાથા



ગાથા : સાહિત્યક્ષેત્રે અનેક અર્થમાં પ્રયોજાયેલી આ સંજ્ઞા મુખ્યત્વે ગેયતા સાથેની પ્રધાનતાને વ્યક્ત કરે છે. ઋગ્વેદમાં ગાથાગાનની પ્રથા હતી. પછી જાતકોમાં શ્લોકબદ્ધ રચનાને ગાથાનું નામ આપવામાં આવ્યું. પ્રાકૃત ભાષામાં કોઈપણ પદ્ય કે છંદ માટે ગાથા શબ્દ પ્રયોજાયો. આથી જ બૌદ્ધસાહિત્યમાં ગ્રન્થોની વચ્ચેવચ્ચે આવતું પદ્ય ગાથા તરીકે ઓળખાયું. ગાથા પ્રાકૃતનો સર્વપ્રમુખ છંદ પણ ગણાયો. સાતવાહને લોકપ્રચલિત ગાથાઓમાંથી ૭૦૦ ગાથાઓ પસંદ કરી ‘ગાથા સપ્તશતી’ની રચના કરી છે. વીરપ્રશસ્તિ કરતા ગેયતાયુક્ત ગાથાના એક પ્રકાર તરીકે નારાશંસીનો પણ ઉલ્લેખ મળે છે, જ્યાંથી પછી ગુજરાતીમાં ‘પવાડો’નું રૂપ ઊતરી આવ્યું છે. ચં.ટો.