ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કાવ્યવિવેચન



ગુજરાતી કાવ્યવિવેચન : ગુજરાતી ભાષામાં કાવ્યસર્જનની પરંપરા દીર્ઘકાલીન છે, પણ કાવ્યવિવેચનનો આરંભ અર્વાચીનયુગમાં જ થવા પામે છે. સુધારકયુગના સાહિત્યકારો પોતાના વારસાને સ્વીકારે છે પણ કાવ્યવિવેચન માટે તો ઇંગ્લેન્ડની વિવેચનાને આધાર, નમૂના તરીકે સ્વીકારે છે, તેમાંય ખાસ કરીને હેઝલિટ જેવાની વિવેચનાનો પ્રભાવ કોલરિજ કરતાં વિશેષ માત્રામાં ઝિલાયો છે. આમ છતાં વ્રજકાલીન કાવ્યરીતિ કરતાં અર્થપ્રધાન શબ્દરીતિ વિશેષ મહત્ત્વની મનાઈ. વળી, ગુજરાતી કાવ્યની સીમાઓ વિસ્તરવી જોઈએ એવું માનીને હોમરના ‘ધ ઇલીયડ’નો પરિચય નર્મદ કરાવે છે. પરંતુ તેના જોસ્સાના કાચા ખ્યાલને નવલરામ પંડ્યા સંસ્કૃત રસવિચારની મદદથી સંસ્કારે છે. પંડિતયુગની કાવ્યવિવેચના એ ગાળાની સમૃદ્ધ કવિતાને કારણે સંકુલ બને છે. સંસ્કૃતકાવ્યપરંપરાના ગાઢ સંપર્કને કારણે પણ પુરોગામીઓની મર્યાદા થોડીઘણી માત્રામાં દૂર થાય છે. જોસ્સાને બદલે અંત :ક્ષોભ જેવી સંજ્ઞા વર્ડ્ઝવર્થના પ્રભાવે પ્રવેશે છે. ન્હાનાલાલને કારણે કાવ્યમાં ગેયતાનો પુરસ્કાર થયો; કલાપી-નરસિંહરાવ જેવાને કારણે લાગણીનો અતિરેક હકારાત્મક મૂલ્ય તરીકે સ્થાપિત થયો. દરેક કવિના વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે જે તે પ્રકારની કવિતાને આદર્શ માનવાનું વલણ જોર પકડતું ગયું. આ બધી વિસંવાદિતાઓ, અંગતતાઓ દૂર કરવા બ.ક.ઠાકોર જેવાની કાવ્યવિવેચના મથે છે. ગેયતા, ભાવુકતા, વાગાડંબરનો પ્રતિકાર કરવા માટે વિચારપ્રધાન કવિતાની વિભાવના તેઓ લઈને આવે છે. પશ્ચિમની કવિતા તથા વિવેચના સાથેના સંપર્કો ‘કાન્ત’ની કવિતામાં જોવા મળતી મૂર્તતા, સઘનતા, સંસ્કૃતિઓના ઇતિહાસો સાથેનો પ્રત્યક્ષ પરિચય – આ બધાંને કારણે ગુજરાતી કવિતાને ખૂબ જ આકરાં ધોરણે કસોટીએ ચડાવવાનો ઉપક્રમ બ. ક. ઠાકોર આરંભે છે. વળી, ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના પ્રત્યક્ષ-પરોક્ષ પ્રભાવને કારણે કાવ્યમાં જીવનદર્શનનો મહિમા તારસ્વરે પ્રસ્થાપિત થાય છે. આ યુગની કાવ્ય વિવેચનામાં કવિતા અને નીતિ વચ્ચેના સંબંધો ગાઢ બને છે. ગાંધીયુગની કાવ્યવિવેચનામાં ઐતિહાસિક પ્રવાહો સાથે કવિતાને સાંકળીને એનું વિવેચન કરવાનું વલણ ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ જેવા ગ્રન્થમાં જોવા મળે છે. કાવ્ય અને સત્ય, કાવ્ય અને સંક્રમણ, અન્ય કળાઓની તુલનાએ કાવ્યકળાની વિશિષ્ટતા જેવા પ્રશ્નો રા. વિ. પાઠકની વિવેચનામાં કેન્દ્રસ્થાને છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનાનો મુખ્ય ઝોક અનુભાવના, રમણીયતાના પ્રત્યેનો છે. પાછળથી સિતાંશુ યશશ્ચંદ્ર રમણીયતાના ખ્યાલને સંસ્કારીને રજૂ કરે છે. ઉમાશંકર જોશીની કાવ્યવિવેચના પૂર્વ-પશ્ચિમના ચિંતકો, કાલિદાસ, ભવભૂતિ, વ્યાસ જેવા ઉત્તમ કવિઓ, એલિયટ, વાલેરી જેવા યુરોપના ઉત્તમ સર્જકોથી પ્રભાવિત થયેલી છે. ઉમાશંકરમાં એક બાજુ કવિકેન્દ્રી અને કૃતિકેન્દ્રી અભિગમોનો સમન્વય જોવા મળે છે, અને બીજી બાજુ પ્રહ્લાદ પારેખ, રાજેન્દ્ર શાહની કવિતાને નિમિત્તે કૃતિલક્ષી વિવેચનાનો આરંભ થાય છે. સુંદરમ્ની ‘અર્વાચીન કવિતા’માં ઐતિહાસિકતા, પરંપરા, વૈયક્તિકતા અને નિતાન્ત કાવ્યાત્મકતાની વિભાવનાઓ ગુજરાતી કવિતાને કેન્દ્રમાં રાખીને ચર્ચાઈ. ઇતિહાસ, સાહિત્યચિંતન અને વિવેચનનો સમન્વય વિશિષ્ટ બની રહ્યો. આધુનિક કાવ્યવિવેચનને સમૃદ્ધ બનાવવામાં યુરોપીયઅમેરિકન સર્જકો-વિવેચકો સાથેનો પ્રત્યક્ષ પરિચય; ફિનોમિનોલોજી-અસ્તિત્વવાદ જેવી વિચારણાઓ, ભાષાવિજ્ઞાન શૈલીવિજ્ઞાનક્ષેત્રે પ્રગટેલા નૂતન આવિષ્કારો મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રયોજનવાદ, પ્રેરકતાવાદ, ભાવનાવાદ, નૈતિકતાની પકડમાંથી વિવેચનાને મુક્ત રાખવાનો પ્રયત્ન આરંભાય છે. રૂપરચનાઓનો મહિમા તારસ્વરે સ્થાપિત કરવામાં આવે છે. લય, છંદ, ભાષાવિષયક પાયાની વિભાવનાઓને શક્ય તેટલી પરિશુદ્ધ કરવામાં આવે છે. અલંકારરચના અને પ્રતીકરચનાના કેન્દ્રમાં રહેલા પાયાના ખ્યાલોનો સમન્વય અહીં જોવા મળે છે. આ બધામાં હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી જેવા મોખરે છે. સાથે સાથે કાવ્યવિવેચનમાં નવા અભિગમો – ઐતિહાસિક, ભાષાવૈજ્ઞાનિક, સંરચનાવાદી, તુલનાત્મક – પ્રગટે છે. આ આબોહવા ઊભી કરવામાં ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રમોદકુમાર પટેલ, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, સુમન શાહ, રાધેશ્યામ શર્મા, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરેએ ભાગ ભજવ્યો. અનુઆધુનિક સમયમાં નોંધપાત્ર કાવ્યવિવેચન નીતિન મહેતા, રમણ સોની, સતીશ વ્યાસ, મણિલાલ હ. પટેલ, અજિત ઠાકોર, રાજેશ પંડ્યા પાસેથી મળે છે. ગુજરાતી કાવ્યવિવેચના ભવિષ્યમાં વધુ સમૃદ્ધ બને એવા આશયથી નગીનદાસ પારેખે આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુંતક, મમ્મટ જેવાના ગ્રંથોના અનુવાદ કરી મહત્ત્વની સેવા બજાવી છે. શિ.પં.