ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી નિબંધવિવેચન



ગુજરાતી નિબંધવિવેચન : ગુજરાતી નિબંધવિવેચન પણ અન્ય સાહિત્યનાં સ્વરૂપો પરત્વે બન્યું છે તેમ, ઘણુંખરું પશ્ચિમની વિચારણાના તારને લઈને જ આગળ ચાલતું રહ્યું છે. પશ્ચિમમાં જેમ પ્રારંભે, ‘Essay’...‘નિબંધ’ શબ્દે ગેરસમજો પ્રવર્તતી જોવાય છે અને ઓછેવત્તે અંશે, તદ્વિષયક વિવેચનમાં પણ તેનું પ્રતિબિંબ પડે છે તેવું જ ગુજરાતી વિવેચનમાં પણ લગભગ બન્યું છે. નર્મદની પૂર્વે દલપતરામે ‘દલપતકાવ્ય’ ભા. ૨માં ‘નિબંધ’ વિશે ‘નિબંધ લખવાની રીત’ નામનું કાવ્ય લખેલું ! તેમણે એ કાવ્યમાં આગ્રહ સેવતાં કહ્યું : શેનું બને છે, તેમ બનવાનું કારણ શું, એનાં કારણો, ઉપયોગો, અડચણો, એના સામ્યવાળી બાબતો, સુસંસ્કૃત વર્ણન, દૃષ્ટાંત – આ બધાંથી ‘નિબંધ’ બને. દેખીતી રીતે જ વિચારાત્મક અને શાળાકીય નિબંધનો અહીં એ જમાનાનો ખ્યાલ પ્રસ્તુત થયો છે. કેળવણીખાતામાં રહેલા દલપતરામ સ્વાભાવિક રીતે ‘નિબંધ’ વિશે આવો જ વિચાર કરી શકે. નર્મદની સામે સ્ટીલ અને એડીસન જેવા લેખકો રહ્યા હતા. અને સાથે ‘સ્પેક્ટેટર’ જેવું સામયિક. તેથી જ ‘નિબંધ લખવા જેવીતેવી વાત નથી.’ એવા તેના શબ્દો આ સ્વરૂપ પ્રત્યેની એની ગંભીરતા સૂચવી જાય છે. તેણે એમ પણ ઉમેર્યું કે ‘પોતાના મનની કલ્પના કાગળ ઉપર સંબંધ રાખી લખી જણાવવી તથા કેટલીએક બાબતોમાં વિદ્વાનોના મતો શોધવા પડે છે. તથા તેઓ પોતાના ગ્રંથોમાં કેવી રીતે વાક્યયોજના કરી ગયા છે તે જાણવું જોઈએ.’ અહીં ‘કલ્પના’, ‘વિદ્વાનોના મતો’ અને ‘વાક્યયોજના’ નિબંધના લલિત રૂપનો તેમજ વિચારતત્ત્વની અગત્યનો મહિમા દર્શાવે છે. નવલરામે ‘વિચાર’ અને ‘ભાષા’ બંને ઉપર ભાર મૂકી નિબંધમાં ‘ગદ્ય’નો હિસ્સો કેવો રહ્યો છે તે દર્શાવ્યું છે. મણિલાલ નભુભાઈ ‘જેનું વચનેવચન અનુભવની ગ્રંથિ છે, જેની વાક્યરચના સૂત્રરૂપ છે અને જેનો ઉપદેશ હૃદયના મર્મને તુરત આઘાત કરી ક્ષણવાર તદાકારતા ઉપજાવે છે’ એમ કહી ‘અનુભવ’, ‘વાક્યરચના’ અને ‘તદાકારતા’ કહી એકરૂપતા – અનૌપચારિકતા તરફ અંગુલિનિર્દેશ કરે છે. વિશ્વનાથ ભટ્ટ નવલરામની વ્યાખ્યામાં ઉમેરણ કરી ‘કોઈપણ બાબત પર પોતાના જે વિચારો હોય તે વિષયાન્તર કે વિસ્તાર કર્યા વિના સાહિત્યોચિત શૈલીમાં અને ગંભીર મનોવૃત્તિથી જેમાં રજૂ કરેલા હોય તેનું નામ ‘નિબંધ’, એમ કહે છે. અહીં ‘સાહિત્યોચિત શૈલી’ સર્જનાત્મક નિબંધનો ઈષત્ સંકેત કરે છે પણ પંડિતયુગ સુધી નિબંધ વિશેની આ સમજ જે રીતે વિસ્તરી છે તે બહુધા સુશ્લિષ્ટ, ગંભીર નિબંધોને લાગુ પડે તેવી છે. નર્મદ વગેરેમાં અંગત નિબંધનું ઝાંખું રૂપ ઊઘડ્યું છે પણ ઝાંખું જ. અને એ રીતે ગુજરાતી નિબંધવિવેચન પણ ‘નિબંધ’ શીર્ષક હેઠળ મોટેભાગે વિચારાત્મક ને ગંભીર લખાણોની ભરમારને જ ‘નિબંધ’ રૂપે પુરસ્કારતું રહ્યું. કાકાસાહેબના આગમને સ્થિતિ બદલાય છે. ચાર્લ્સ લૅમ્બે જેમ અંગ્રેજી સાહિત્યમાં નિબંધના વિવેચકોને જુદી રીતે નિબંધ વિશે વિચારતા કર્યા, એવું જ ગુજરાતીમાં કાકાસાહેબની રચનાઓ વિશે બન્યું. તેમાં અંગત વાતચીત છે, વાતની ઉષ્મા છે, સૌન્દર્યનિષ્પત્તિ છે, પ્રબળ વ્યક્તિત્વનિક્ષેપ છે. ઉમાશંકરે નિબંધના સ્ફૂર્તિલા લલિત રૂપને પશ્ચિમના તે પ્રકારના વિવેચનનો આધાર લઈ પ્રથમ વાર સ્પષ્ટ કરી આપ્યું. એટલું જ નહિ કાકાસાહેબની રચનાઓનું તેમણે એ માપદંડોએ સમુચિત મૂલ્યાંકન પણ કરી આપ્યું. ગુજરાતી વિવેચનની નિબંધ પરત્વેની દૃષ્ટિ અહીં બદલાય છે. વિજયરાય વૈદ્યની ‘હળવી, શિથિલ બંધવાળી કટાક્ષ-હાસ્ય આદિના આશ્રયવાળી રમતિયાળ શૈલીમાં લખાયેલી રચના તે નિબંધિકા’ એવો ખ્યાલ અહીં પરિષ્કૃત થાય છે. અને વ્યક્તિત્વની ઉષ્માવાળી રચનાને નિબંધ તરીકે ઓળખવાનું વલણ સ્પષ્ટ થતું જાય છે. ‘સુંદરમ્’ પણ નિબંધ ઉપરનો પોતાનો વિભાવ સ્પષ્ટ કરતાં લલિતનિબંધને જ ‘ખરો નિબંધ’ કહી, બીજી રચનાઓને તે તે વિષયના ‘લેખો’ તરીકે ગણાવે છે. નિબંધની ખિલાવટ, વાગ્વ્યાપારની કળા ઉપર ને વ્યક્તિત્વ પ્રકાશન ઉપર તે ભાર મૂકે છે. રામપ્રસાદ બક્ષી નિબંધનાં મૂળ શાસ્ત્રીય સ્વરૂપમાં જોઈ, શાસ્ત્રીયકોટિના લેખ આદિને બાજુએ મૂકી બીજા પ્રકારના વિનોદલક્ષી હળવા નિબંધને લલિત તરીકે જાહેર કરે છે. સુરેશ જોષીથી દિગીશ મહેતા સુધીમાં લલિતનિબંધનું નિર્ભાર સ્વરૂપ સ્વાયત્ત-સ્વનિર્ભર સ્વતંત્ર સત્તા રૂપે બરાબરનું સ્પષ્ટ થઈ રહે છે. સુરેશ જોષીએ ‘કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ’ એમ કહી નિબંધના અનૌપચારિક જનાન્તિક રૂપને પૂરેપૂરું ઉઘાડી આપ્યું. દિગીશમાં પેલા ‘હું’નો રગડો દડી આવ્યો. ગુજરાતી વિવેચન નિબંધને હવે શુદ્ધ કળાપ્રકાર રૂપે જુએ, તપાસે – ચકાસે તેવી માતબર રચનાઓ પણ તેની પાસે આવી મળી. ‘નિબંધ’ એ રીતે સ્વાતંત્ર્યોત્તર ગાળામાં એના લલિત રૂપે સમ્યક રૂપે પોંખાય છે અને એવી રચનાઓ સમ્યક રૂપે ચર્ચાય-ચર્વણાય છે. આઠમા દાયકામાં નિબંધના વિવેચનને-વિભાવને પૂરેપૂરું વ્યવસ્થિત રૂપ મળે છે પ્રવીણ દરજીના તદ્વિષયક્ મહાનિબંધના સંશોધન દ્વારા. તેમની પાસેથી એવી સિદ્ધ રચનાઓ ઉપરનું શ્રદ્ધેય વિવેચન પણ મળે છે. તેમના નિબંધ-વિવેચનના પાંચેક ગ્રંથો અને તે પછીનાં નિબંધવિષયક તેમનાં લખાણો ‘નિબંધ’ના લલિત રૂપની આબોહવા બાંધી આપવામાં એક પરિબળ બની રહે છે. ભોળાભાઈ, ચંદ્રકાન્ત શેઠ, અનિલ જોશી સુધીના અનેક નિબંધલેખકોની ‘નિબંધ’ની એ દિશામાં ગતિ કળાય છે. નિબંધ વિશે ગુજરાતી નિબંધવિવેચન હવે કશી અવઢવમાં રહ્યું નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદું પડી એક રસલક્ષી સ્વરૂપ તરીકે ‘નિબંધ’ સ્થાન પામ્યો છે. એ રીતે જ એના લલિતરૂપ વિશે વિચારવિમર્શ થતો રહ્યો છે. પ્ર.દ.