ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પદ્યનાટક



ગુજરાતી પદ્યનાટક : ‘પદ્યનાટક’ સંજ્ઞા સૂચવે છે તેમ ‘પદ્યનાટક’માં નાટક તો છે જ, રંગભૂમિ ઉપર તો તે તંતોતંત સૂક્ષ્મ થવું જ જોઈએ, પણ જે કેટલુંક ગદ્યના માધ્યમ દ્વારા નાટકમાં શક્ય નથી તે અહીં પદ્યના માધ્યમ દ્વારા પદ્યનાટકમાં શક્ય બનાવવાનું છે. પદ્યનાં છંદોલય, ભાવોત્કટતા, અલંકારિતા, ઘટકોની એકકેન્દ્રિયતા વગેરેનો અહીં ભરપૂર લાભ લેવાનો છે તો, બીજે છેડે કોઈપણ નાટક ક્રિયા ઉપર જ આધારિત છે, મન :સંચલનોને આબદ્ધ કરતું, સૂક્ષ્મ વીથિઓ ઉપર વિહરતું એ પદ્ય કે એના લયાદિ તત્ત્વો એ ક્રિયાની તીવ્રતાને ઘટાડી ન દે, મંથર ન કરી દે તે પણ જોવાનું છે. અહીં નાટકની સાથે પદ્યની બંનેની ઉત્તમોત્તમ શક્તિઓનો આવિર્ભાવ કરવાનો છે એટલે નાટક અટકે નહિ, બલ્કે એના શ્રેષ્ઠ સ્તરે તે રહે અને પદ્ય દ્વારા જે તે ભાષાની – ક્રિયાપદથી માંડીને બીજી એવી સંખ્યાબંધ ભાષિક શક્તિઓ ઊઘડતી રહી કૃતિને બહુપરિમાણી બનાવી રહે, વૈશ્વિક સ્ફુરણોની વાચક બની રહે એ પણ મહત્ત્વનું છે. શેક્સપિઅર, એલિયટ કે ટાગોર જેવાઓએ એવા પ્રયોગો સફળતાથી પાર પાડ્યા છે. ગુજરાતી પદ્યનાટકનો વિચાર કરીએ છીએ ત્યારે ઉમાશંકર જોશીના નામથી પ્રારંભ કરીને ઉમાશંકર ઉપર જ અટકવું પડે તેવી સ્થિતિ આજ સુધી રહી છે. ઉમાશંકરમાં ગુજરાતી ભાષામાં લખનારો એક મોટા ગજાનો ભારતીય સર્જક પડેલો છે. આગળ વધીને કહીએ તો ભારતીય રહીને વિશ્વ સમગ્ર તરફ તેમની સંવેદના અભિમુખ રહી છે. વ્યક્તિ–સમષ્ટિની અનેક સમસ્યાઓ – સંઘર્ષો – મથામણો – સાંસ્કૃતિક વિશેષો અને વિરોધો, સમયના નાનાવિધ ચહેરા – આ સર્વ ઉપર કવિની સરખી નજર રહી છે. તદ્વિષયક ક્રિયાપ્રતિક્રિયાઓ અને ઉત્ખનન પણ તેમનામાં જોવાય છે. આ સર્વને બૃહદ્ ભૂમિકાએ અભિવ્યક્ત કરવાનો તેમણે સતત પ્રયત્ન કર્યો છે. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ તેમની એવી સૂક્ષ્મ કલાકીય મથામણોનું પરિણામ છે. એ મથામણો રૂપાન્તરે ગુજરાતી પદ્યનાટકોનો ઇતિહાસ પણ બની રહે છે. ‘પ્રાચીના’માં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી કથાવસ્તુ લઈને કવિએ ભૂતના સંસ્મૃતિતાર સાથે વર્તમાનને સાંકળવાનો પ્રયાસ કર્યો છે. ‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’, ‘ગાંધારી’, ‘રતિ-મદન’, ‘કુબ્જા’, ‘બાલરાહુલ’, અને ‘આશંકા’, એવાં સાત સંવાદકાવ્યોમાં કવિનો માનવતા તરફનો પક્ષપાત સૌથી ઉપર તરી રહે છે. કૃષ્ણ, કર્ણ, દ્રૌપદી, ગાંધારી વગેરેનાં પાત્રો સુપેરે ઉઠાવ પામ્યાં છે. પૌરાણિક કથાવસ્તુને પ્રકટ કરી આપતું ભાષાનું ગરિમાસભર પોત, અનુષ્ટુપ અને ઉપજાતિના પ્રયોગોની લાક્ષણિકતા ઉમાશંકરની ઘૂંટાયેલી સર્જકતાનું હૃદ્યરૂપ દર્શાવે છે. ‘આશંકા’ અને ‘કુબ્જા’માં તેનાં સારાં પરિણામો મળી રહે છે. આમ છતાં ‘સંવાદ’થી આગળની કક્ષાએ આ કૃતિઓને પહોંચવાનું બાકી રહે છે. ‘મહાપ્રસ્થાન’માં કવિનો વધુ વિકાસ જોઈ શકાય છે. ‘મહાપ્રસ્થાન’, ‘યુધિષ્ઠિર’, ‘અર્જુન-ઉર્વશી’, ‘કચ’, ‘મંથરા’, ‘ભરત’, અને ‘નિમંત્રણ’ એમ સાત રચનાઓ અહીં સંગ્રહીત છે. અહીં ઘણે સ્થળે કવિતા અને નાટકની એકરૂપતા સધાઈ છે ને એમ રસરૂપતા પણ. યુધિષ્ઠિર, મંથરા, ભરત, આમ્રપાલી વગેરે મનુષ્યજીવનના અનેક ખૂણાઓને અજવાળી આપતાં સજીવ પાત્રો અહીં પ્રાપ્ત થાય છે. ‘મહાપ્રસ્થાન’, ‘મંથરા’ અને ‘ભરત’ જેવી રચનાઓમાં કવિનો કસબ અનેકશ : પ્રભાવક રહ્યો છે. પદ્ય અને નાટકનું સિદ્ધ થયેલું રસાયણ એ રચનાઓને સ્પૃહણીય બનાવે છે. ‘પ્રાચીના’નું સંસ્કૃતાઢ્યારૂપ અહીં હળવું બની, વાતચીતની કક્ષાએ પહોંચે છે. વનવેલી છંદનો પ્રયોગ ગુજરાતી પદ્યનાટકને ઉપકારક બની રહે તેવો છે. તે તેમણે સમર્થ રીતે યોજેલા વનવેલી ઉપરથી સિદ્ધ થાય છે. પદ્યનાટકની દિશામાં ઉમાશંકરનું આ કદમ જેવું છે તેવું પણ સીમાચિહ્નરૂપ રહ્યું છે. એ રીતે એક સન્નદ્ધ ભૂમિકા રચાઈ છે. અહીં ચંદ્રવદન, હંસા મહેતા, રાજેન્દ્ર શાહ વગેરેનાં નાટકોમાં પદ્ય યોજવાના પ્રયત્નોનું સ્મરણ કરી શકાય, પણ અહીં પદ્યના વિનિયોગ પરત્વે પૂરી ગંભીરતા કે એકાગ્રતાની ઊણપ જણાય. અમુક હેતુ સિદ્ધ કરવા પૂરતો જ ત્યાં પદ્યનો પ્રયોગ થયો છે. ચિનુ મોદી વગેરેના પણ પ્રયત્નો એ દિશામાં રહ્યા છે. ‘નેપથ્યે’ અને ‘આરોહ-અવરોહ’માં ‘ઉશનસ્’નો પ્રયાસ કેટલેક અંશે ધ્યાન ખેંચે છે. ‘નેપથ્યે’ કરતાં ‘આરોહ-અવરોહ’માં કવિની પ્રગતિ દેખાય છે. ‘ઇંદ્રોર્વશીય સંવાદ’માં કવિની શક્તિનું સારું પરિણામ આવ્યું છે. સંગ્રહની ચારેય રચનાઓમાં પદાવલિનું વૈવિધ્ય અને છંદોલયની સભાનતા છે, છતાં પદ્યનાટક સુધીનું ઉડ્ડયન શક્ય બન્યું નથી એ નોંધવું રહ્યું. પ્ર.દ.