ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થ


ગ્રન્થ: પુસ્તક-પ્રકાશનગૃહો, વિક્રેતા તથા ગ્રાહક-વાચક વચ્ચે, પુસ્તક-પરિચયની કામગીરી દ્વારા કડીરૂપ બનવાના ખ્યાલ સાથે મુંબઈના પરિચય ટ્રસ્ટે યશવન્ત દોશીના તંત્રીપદે ૧૯૬૪માં આરંભેલું ગ્રન્થાવલોકનનું માસિક. ઉત્તમ પુસ્તકો વિશેની વાચકની પ્રવર્તતી જિજ્ઞાસાને વિસ્તૃત તેમજ સંક્ષિપ્ત ગ્રન્થાવલોકનો તથા સાભાર-સ્વીકારનોંધ રૂપે નવાં પ્રકાશિત પુસ્તકોની માહિતી આપીને સંતોષનાર ગ્રન્થે ઉત્તમ પુસ્તકોના પ્રચાર-પ્રસાર-પરિચય કરવા-કરાવવાના દેખીતા કામ સાથે વાચકોની રુચિ ઘડવાનું કામ પણ કર્યું છે. ગ્રન્થાવલોકનના મુખ્ય ઉદ્દેશની સાથે સાથે સાહિત્યની ગઈકાલ, આજ અને આવતીકાલ સંદર્ભે ગ્રન્થે કાન્ત, ગાંધીજી, બ.ક.ઠાકોર, કનૈયાલાલ મુનશી જેવા સર્જક-ચિંતકો તેમજ ગુજરાતી નવલકથાનો પહેલો સૈકો, આજનું ગુજરાતી સાહિત્ય, બાળસાહિત્ય, પરીકથા જેવા વિષયો પર વિશેષાંકો પ્રગટ કર્યા છે. ૧૯૮૬માં વાડીલાલ ડગલી સ્મૃતિ વિશેષાંક પછી ગ્રન્થનું પ્રકાશન બંધ થયું છે. ર.ર.દ.