ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરોતરી બોલી
ચરોતરી બોલી : ખેડા, પંચમહાલ, વડોદરા જિલ્લાના કેટલાક ભાગમાં અને ભરૂચ જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક આ બોલી બોલાય છે. એની મોટા ભાગની લાક્ષણિકતાઓ ઉત્તર ગુજરાતી અથવા પટ્ટણી બોલી જેવી જ છે. જેમકે કાંકરીને બદલે કોંકરી, ગામ>>ગોંમ, ખીંટી>>ખેંટી, બરણી>>બયણી વગેરે ઉચ્ચારાય છે. આ ઉપરાંત તેની પોતાની કેટલીક ખાસ વિશેષતા પણ છે : ૧, ચ, છ, જ અને ઝ વ્યંજનોના ઉચ્ચારણમાં ‘સ’ ભળેલો સંભળાય છે. જેમકે વેત્સી, વત્સી. ૨, શબ્દમાં વચ્ચે ‘ય’ ઉમેરાય છે. જેમકે દાડમ >> દાડ્યામ, વાડકા >> વૉંડક્યા ૩, બહુવચનનો ‘ઓ’ પ્રત્યય વાક્યમાં બધા શબ્દોને લાગે છે. જેમકે ઘણીઓ, સોડ્યો, આવીઓ, હતીઓ વગેરે, ૪, ‘થી’ને બદલે ક્યાંક ‘હિં’ વપરાય છે. હાથહીં જ્યો, આંહિ આયો લ્યા, વગેરે. ૫, બોલીશ, કરીશ, ચાલીશ વગેરે જેવાં ક્રિયાપદો બોલે, કરે, ચાલે એ રીતે બોલાય છે. યો.વ્યા.