ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગતનાં ભાષાકુળો


જગતનાં ભાષાકુળો : જગતની ભાષાઓને વિવિધ ભાષાકુળોમાં વહેંચી નાખવામાં આવી છે. ઐતિહાસિક અને અન્ય પુરાવાઓને આધારે જે તે ભાષાકુળમાં સૌથી જૂનું ભાષાસ્વરૂપ નક્કી કરીને તે કુળની ભાષાઓને, કાલ્પનિક વિકાસની દૃષ્ટિએ તેમની વચ્ચેનો પૂર્વાપર સંબંધ ધ્યાનમાં રાખીને એક વંશવૃક્ષના રૂપમાં રજૂ કરી શકાય છે. આમાં વ્યુત્પત્તિની ભૂમિકા ઘણી મહત્ત્વની હોય છે. અમુક ભાષાઓ એકસમાન કુળની કે મૂળની હોવાનું નક્કી કરવામાં વ્યુત્પત્તિનો ફાળો મોટો છે. ભાષાકુળોનો નિર્ણય અમુક શબ્દો, રૂપો ઇત્યાદિની તુલના દ્વારા જ થાય છે. જગતની ત્રણ હજાર જેટલી ભાષાઓને આશરે સવાસો ભાષાકુળોમાં વહેંચી શકાય તેમ છે પણ આ બધી ભાષાઓ કે કુળોનું મહત્ત્વ એકસરખું નથી. આમાંની અડધોઅડધ ભાષાઓ જગતની માત્ર એક ટકા જેટલી વસ્તીમાં જ બોલાય છે. જેમની પાસે પોતાની લિપિ ન હોય એવી ભાષાઓની સંખ્યા ઘણી મોટી છે. મહત્ત્વનાં ભાષાકુળો આ પ્રમાણે ગણાવી શકાય : ભારત-યુરોપીય, દ્રાવિડી, અગ્નિએશિયાઈ, ચીન-મોર, સેમીહામી(આફ્રો-એશિયાઈ), જાપાની-કોરિયાઈ, યુરલ-અલ્તાઈ, કોકેશિઆઈ, મલય-પોલિનેશિયાઈ, આફ્રિકી અને અમેરિકી. ભારતીય ભાષાઓનો સમાવેશ ઉપરોક્ત પૈકીનાં પ્રથમ ચાર કુળોમાં થાય છે. હ.ત્રિ.