ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જેલસાહિત્ય


જેલસાહિત્ય : ‘જેલસાહિત્ય’ એવી સંજ્ઞા કથાની માત્ર સ્થાનગત વિશેષતા દર્શાવતી સંજ્ઞા જ નથી પરંતુ સ્થાનની ખુદની સમક્ષતા અને શક્યતાને કારણે વિષયાનુસારી વર્ગીકરણ માટે અભ્યાસમાં ઉપયોગી બનતી સંજ્ઞા છે. જે જે કથામાં સ્થળ રૂપે જેલ આવે તે તે કથાની કૃતિને જેલસાહિત્યમાં સમાવી ન શકાય, પરંતુ જે કથામાં કે અન્ય પ્રકારમાં ‘જેલ’ એક સ્થાનવિશેષ તરીકે આનુષંગિક નહીં પરંતુ આધિકારિક હોય એને જ આ પ્રકાર કે વિષયસંજ્ઞા લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘જેલ’ સ્થળ રૂપે જ્યાં ઘટકરૂપ છે, તેવી રચનાઓનો સમાવેશ જેલસાહિત્યમાં થઈ શકે. જેલસાહિત્યનું સગપણ એક રીતે જોઈએ તો જાનપદી કથા સાથે છે, કેમકે બન્ને પ્રકારો કથાના ‘સ્થળ’ સાથે સંકળાયેલા છે અને જેમ જે જે નવલકથામાં ગામડું સ્થળ રૂપે આવે તે તે નવલકથાને જાનપદી કે આંચલિક કહી ન શકાય તે જ રીતે જે સાહિત્યમાં જેલ સ્થળ રૂપે આવે તે સઘળાને જેલસાહિત્ય કહી શકીશું નહીં પરંતુ જેના આંતરનો ઉઘાડ અને આકાર જેલને કારણે છે એવા સાહિત્યને જ જેલસાહિત્ય કહી શકાશે. સ્થળ તરીકે કારાવાસની કથાત્મક પરિસ્થિતિ સર્જવાની શક્તિ તો વિશ્વસાહિત્યના પ્રાચીન-મધ્યકાલીન બધા જ કથાકારોએ પિછાણી છે. કૃષ્ણકથામાં એનું જે સ્થાન છે તે સર્વવિદિત છે. એ ઉપરાંત અનેક કથાઓએ વિઘ્ન રૂપે જેલનો ઉપયોગ કર્યો છે. યુરોપમાં પણ નવલકથાના પ્રારંભના તબક્કામાં રોમાન્સની જે કૃતિઓ રચાઈ, કે મધ્યકાલથી તે આજ સુધી જે થ્રિલરપ્રકારની રોમાંચક વાર્તાઓ રચાતી આવી તેમાં ‘જેલ’નો ઘટક રૂપે વિનિયોગ થયો છે. બોકાસિયોનું ‘ડેકામેરોન’ હોય, એલેક્ઝાન્ડર ડૂમાની ખ્યાત નવલકથા ‘ટેલ ઑફ ટુ સિરીઝ’ હોય કે આધુનિકયુગમાં વિશ્વસ્તરે વંચાતા સીડની સેલ્ડન જેવા લેખકની ‘ઈફ ટુમોરો કમ્સ’ જેવી નવલકથા હોય, ‘જેલ’ રહસ્ય, ચમત્કારનું નિમિત્ત પૂરી પાડતી આવે છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ સાથે જ આ સાહિત્યના જન્મને સીધો સંબંધ છે. કારણ વગર પરિસ્થિતિના સકંજાનો ભોગ બનીને લડવું પડે ને કારાવાસનો ભોગ બનવું પડે ત્યારે અદમ્ય ઉત્કટ એવી ચૈતસિક પરિસ્થિતિ જન્મે છે. આવી પરિસ્થિતિનો ભોગ બનનારે પોતે પણ લખ્યું અને અન્ય લેખકોએ પણ આવી સ્થિતિનું આલેખન કર્યું. આમાંથી વિશ્વસાહિત્યની જાણીતી યુદ્ધકથાઓ રચાઈ. જર્મનોએ યહૂદીઓ પર અત્યાચારો કર્યાં અને કેમ્પરૂપ જેલમાં નાખ્યા તે અસહ્ય અમાનુષી અત્યાચારથી ઉદ્વિગ્ન બનતી સંવેદન ચેતનાએ આવા અનુભવોને વાચા આપી એમાંથી જેલસાહિત્ય જન્મ્યું. ગુજરાતી સાહિત્યમાં જેલસાહિત્યના ઉદ્ભવ કે પ્રવેશનો અનુબંધ અસહકારની સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિઓ સાથે છે. આ યુગના સત્યાગ્રહીઓને અંગ્રેજ સરકારે સજા રૂપે કારાવાસની સજા કરી. આવા સત્યાગ્રહીઓમાં નેતા અને અનુયાયીઓનો મોટો વર્ગ બૌદ્ધિકોનો હતો, જેમાં કવિઓ, સાહિત્યકારો અને લેખન દ્વારા સમાજનું ઘડતર કરવાની નેમવાળા પ્રબોધકો અને સંતો પણ હતા. આ વર્ગ અહિંસક, કાયદાપાલન કરનારો, બિનઉપદ્રવી, સામાજિક અને પ્રજામાન્ય નેતાઓ, સમાજસેવકો અને દેશની આઝાદી કાજે અભ્યાસ છોડીને પણ લડતમાં જોડાયેલા સંવેદનશીલ નવયુવકોનો હતો. આથી અન્ય ગુનેગાર કેદીઓને મુકાબલે આવા કેદીઓને પરસ્પર મળવાની, રાજનૈતિક ગુનો ન ગણાય એવાં સંભાષણો-વ્યાખ્યાનો-ગોષ્ઠીઓ યોજવાની, પત્રડાયરી કે બીજું કશું લખવાની, એ માટેની જરૂરી સામગ્રી મેળવવાની અને રાખવાની નિયંત્રિત પ્રમાણમાં છૂટ હતી અને એ માટેની તેમનામાં અભિરુચિ અને સમયની ફુરસદ પણ હતી. આથી આવા વર્ગના બૌદ્ધિકોએ જેલમાં રહીને કે જેલમાંથી છૂટ્યા પછી જેલજીવનના અનુભવ પર આધારિત એવું સાહિત્ય સર્જ્યું, જેમાંથી ગુજરાતી જેલસાહિત્યનો જન્મ થયો. જેલસાહિત્યની કૃતિઓ ગણાય એવી ગુજરાતી સાહિત્યની રચનાઓ તો ‘જેલ ઓફિસની બારી’(૧૯૩૪) જેવી રચનાથી થાય છે, જેમાં ઝવેરચંદ મેઘાણીએ જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોના જીવનની વેદનાનું આલેખન કર્યું છે. એ સાથે જ જયમલ્લ પરમાર અને નિરંજન વર્માના સાહિત્યના અંશોમાં, વિશેષત : ‘ખંડિત ક્લેવરો’(૧૯૪૨)માં પણ જેલજીવન અને મનુષ્યસહજ નબળાઈઓનો નિર્દેશ મળી શકે છે. ગુજરાતી સાહિત્યમાં એક નિવૃત્ત જેલરના અનુભવને આધારે હસુ યાજ્ઞિકે ‘દીવાલ પાછળની દુનિયા’(૧૯૮૪), ‘ધૂંધળી ક્ષિતિજની પાર’(૧૯૯૧) અને ‘જેલરની ડાયરી’ (૧૯૯૪) ત્રણ રચનાઓ આપી છે તેમાં ‘દીવાલ પાછળની દુનિયા’માં સત્યઘટનાને જાળવીને વાર્તા કે ચરિત્રનિબંધ લખવાનો પ્રયાસ થયો છે. હ.યા.