ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકોશ


જ્ઞાનકોશ(Encyclopedia) : જ્ઞાનની તમામ શાખા-પ્રશાખાને આવરી લેતો આ કોશ અનેક ખંડોમાં વિસ્તરેલો સંદર્ભગ્રન્થ છે. આ માટેની મૂળ ગ્રીકસંજ્ઞાને અનુલક્ષીને ગુજરાતી ભાષામાં શરૂમાં પ્રયોજાયેલો ‘જ્ઞાનચક્ર’ શબ્દ એના સ્વરૂપને બરાબર સૂચવે છે. અહીં જગત અંગેની તમામ વિદ્યાઓ અને માહિતીસામગ્રીને અદ્યતન સ્વરૂપે અકારાદિક્રમમાં સંક્ષિપ્ત અને અધિકૃત અધિકરણો રૂપે બાંધી લેવામાં આવે છે. દરેક અધિકરણ જે તે વિષય કે વિષયાંગનો નિષ્કર્ષ હોય છે. જ્ઞાનકોશના ત્રણ પ્રકાર જાણીતા છે : એક જ વિષયનાં તમામ પાસાંઓને સમાવતો જ્ઞાનકોશ; પ્રકરણવાર વિવિધ વિષયોને સમાવતો જ્ઞાનકોશ અને બધા જ વિષયોને અકારાદિક્રમમાં એકત્ર કરતો સર્વસામાન્ય રૂપનો વિશ્વકોશ. ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ સર્વસામાન્ય જ્ઞાનકોશનું ઉત્તમ ઉદાહરણ છે. ચં.ટો.