ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનેશ્વરી


જ્ઞાનેશ્વરી : તેરમા શતકના નવમા દાયકામાં જ્ઞાનદેવરચિત શ્રીમદ્ભગવદ્-ભાષ્યકાવ્ય ‘ભાવાર્થદીપિકા’, ‘જ્ઞાનેશ્વરી’ને નામે પ્રચલિત છે. જ્ઞાનદેવ ભારતીય પરંપરાના પણ સ્વતંત્ર વિચારશક્તિવાળા તત્ત્વજ્ઞાની અને કવિ જીવનના અંતિમ સત્યને પામવા એ મથ્યા. એમ કરતાં થયેલા અનુભવ એમણે એમાં અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન ભાષ્યની સાથોસાથ કર્યો છે. ‘જ્ઞાનેશ્વરી’ નાગર દેશી મરાઠી ભાષામાં ઓવી છંદમાં રચાયેલો નવહજાર ઓવીનો ગ્રન્થ છે. ઓવી સાડાત્રણ પંક્તિનો, પ્રથમ ત્રણ પંક્તિના શિથિલ અંત્ય પ્રાસયુક્ત, પૂર્ણપણે બંધનરહિત મરાઠીનો આદ્ય મુક્તછંદ છે. ગદ્ય-પદ્ય-સંગીત ત્રણેય આવિષ્કાર-રીતિમાં એ સરળતાથી વહી શકે છે. જ્ઞાનેશ્વરીની ભાષા સરળ અને રસાળ છે અને સામાન્ય માણસને અધ્યાત્મની ઇન્દ્રિયાતીત અનુભૂતિ ઇન્દ્રિયગમ્ય થાય તે માટે પ્રયોજાયેલી શૈલી અલંકાર-કલ્પનપ્રચુર છે; એનાં ઘણાંખરાં દૃષ્ટાંતો પરંપરાપ્રાપ્ત છે, તો કેટલાંક જ્ઞાનેશ્વરીની સર્જકતાની ઝલક દર્શાવતાં, મૌલિક ને નાવીન્યસભર છે. આ અદ્વૈતવાદી તત્ત્વજ્ઞ કવિએ શબ્દના સૂક્ષ્મ અર્થભેદ પારખીને શબ્દો પ્રયોજ્યા છે. તત્ત્વકાવ્યમાં શક્ય એટલી ઉત્કટતા આ રચનામાં કેટલાંક સ્થાનોએ સિદ્ધ થઈ છે. એમાં ગીતાના તત્ત્વજ્ઞાનનું એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી કરેલું પ્રભાવશાળી નિરૂપણ છે. એ સર્જનાત્મક સાહિત્ય નથી, પણ જ્ઞાનેશ્વરી શૈલીયુક્ત ભાષામાં ધાર્મિકગ્રન્થ છે. જ.મ.