ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તંત્રીલેખ


તંત્રીલેખ : રોજિંદા પ્રજાજીવનને સ્પર્શતી રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક જેવાં વિવિધ ક્ષેત્રની ધ્યાનાકર્ષક ઘટનાનું માહિતીસભર, સચોટ તથા સર્વભોગ્ય બયાન તેમજ તેની સર્વપક્ષીય મીમાંસા કરતું અખબારી લખાણ. તંત્રીલેખ દ્વારા, નિરૂપીત ઘટનાના રાષ્ટ્ર-જગતવ્યાપી રચનાત્મક/ ખંડનાત્મક પ્રભાવ, તેનાં દૂરગામી પરિણામો તેમજ માનવસંસ્કૃતિ-સભ્યતા સંદર્ભે થનારા ઊહાપોહની તલસ્પર્શી છણાવટ થાય તે અપેક્ષિત છે. વર્ણ્યવિષયને હસ્તામલકવત્ કરી આપવાની તંત્રીલેખની નેમ હોવી જોઈએ. એ માટે લોકભોગ્યભાષા અને માહિતી-સામગ્રી વિષયક અદ્યતનતા એ તંત્રીલેખના અનિવાર્ય પ્રમુખ લક્ષણો ગણાયાં છે. ર.ર.દ.