ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તુલનાત્મક સાહિત્ય


તુલનાત્મક સાહિત્ય (Comparative Literature) : જર્મન કવિ ગ્યોથની ‘વિશ્વસાહિત્ય’ની વિભાવનામાંથી ક્રમશ : ‘તુલનાત્મક સાહિત્ય’ના નવા અભિગમે અને એની પદ્ધતિએ જન્મ લીધો છે. તુલનાત્મક સાહિત્ય એટલે સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ. આ અભિગમ સાહિત્ય તુલના માટે છે, એવા વિચારને દૃઢ કરે છે. ભિન્ન ભિન્ન પ્રજાઓ અને દેશોનાં સાહિત્યોની સમાનતા અને એમના સંબંધોનાં વિશ્લેષણ કે પરીક્ષણ એમાં નિહિત છે. તુલના એનું મુખ્ય ઉપકરણ છે. બીજી રીતે કહીએ તો ભિન્ન ભિન્ન પ્રજાઓનાં સાહિત્યોના આંતરસંબંધોનો અહીં અભ્યાસ છે. સ્પષ્ટ છે કે આ અભ્યાસ બે કે વધુ સાહિત્યોની સાહિત્યિક નીપજો વચ્ચેની તુલના પર ભાર મૂકે છે. અહીં એક સાહિત્યકૃતિને અન્ય સાહિત્યકૃતિ સાથે, એક લેખકને અન્ય લેખક સાથે કે એક સાહિત્યિક ઝુંબેશને અન્ય સાહિત્યિક ઝુંબેશ સાથે સરખાવવામાં આવે છે. ઉપરાંત પ્રાકૃતિક ઘટનાઓ, કથાઘટકો, પરિસ્થિતિઓ, વર્ગપ્રતિનિધિઓ વગેરે તુલનાવિષય બને છે. તુલનામાં સ્વરૂપગત, શૈલીગત ઐતિહાસિક કે સમાજવિજ્ઞાનવિષયક પદ્ધતિઓ અખત્યાર થાય છે. અનિવાર્ય શરત એ છે કે તુલનાત્મક સાહિત્યે રાષ્ટ્રીય સીમાઓની બહાર જવાનું છે. એક જ ભાષામાં સમવિષયક પ્રવાહોનો તુલનાત્મક અભ્યાસ એ તુલનાત્મક વિવેચન છે. તુલનાત્મક સાહિત્ય નથી. તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા પહેલીવાર ૧૮૨૯માં વિલમેં (Villemain)એ પ્રયોજી અને સેંત બવે એને પ્રચલિત કરી. તુલનાત્મક સાહિત્યનો વિષય યુરોપમાં ૧૮૬૧માં પહેલીવાર યુનિવર્સિટી ઑવ નેપલ્સમાં અને આપણે ત્યાં પહેલીવાર ૧૯૫૬માં કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીમાં દાખલ થયેલો. પરંતુ આજે કોઈપણ દેશ-કાલ કે ભાષા પૂરતું એનું ક્ષેત્ર સીમિત ન હોવાથી ‘નવ્ય માનવતાવાદ’ તરફનો એનો માર્ગ સુપ્રતિષ્ઠ છે. મૂળે, ગ્યોથના ફાઉસ્ટની જેમ તુલનાત્મક સાહિત્ય પણ એવું ધ્યેય લઈને ચાલે છે કે કશુંક એવું છે જે જગતને એના અંતરતમ સ્તરોમાં ધારી રાખે છે, અને તેથી જ ભાષાની બહાર સ્થળગત અને સમયગત સીમાઓની બહાર તુલનાની પદ્ધતિએ એ મહત્ત્વનાં સાદૃશ્યો અને દેખીતા વિરોધોની તપાસમાં આગળ વધે છે, અને વિવિધતા વચ્ચે એકતાના તત્ત્વને લક્ષ્ય કરે છે. એમ કહી શકાય કે તુલનાત્મક સાહિત્ય કોઈપણ સ્થળકાળમાં પ્રગટેલાં સાહિત્યોની ભીતર રહેલી મૂળભૂત સંરચનાઓ સાથે નિસ્બત ધરાવે છે. બૃહદ પરિપ્રેક્ષ્યમાં કરાયેલા અભ્યાસ દ્વારા સાહિત્યનું આ પ્રકારનું આસ્વાદન સાહિત્ય અને માનવપ્રવૃત્તિઓનાં અન્ય ક્ષેત્રો વચ્ચેના સંબંધની સમજને દૃઢ કરે છે. આમ તુલનાવાદીનું કામ અઘરું છે. એણે માત્ર એક કરતાં વધુ ભાષાની જાણકારી નથી રાખવાની પણ શૈલી, વિચાર અને લાગણીના સ્તરે અભિવ્યક્ત સાહિત્યપરંપરાઓને આકલિત કરવાની છે; સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ભૌગોલિક ઐતિહાસિક પરિબળોથી ઘડાયેલાં વિવિધ રાષ્ટ્ર અને એના લેખકો સંદર્ભે રહેલા વૈવિધ્યને ઓળખવાનું છે. વિવિધ ભાષાઓનું વિશાળ વાચન, ઊંડો અભ્યાસ, સાહિત્યિક સંવેદના અને માનવનિસ્બત તુલનાવાદી માટે અનિવાર્ય છે. આવા સજ્જ તુલનાવાદીઓ ભાષાઓની સીમાપારની તુલના દ્વારા નિજી પરંપરાને નવેસરથી ઘડે છે. રાષ્ટ્રીય સાહિત્યને નવો વળાંક આપે છે. તેમજ સાહિત્યના સર્વસામાન્ય સિદ્ધાન્ત તારવે છે. આમ કરવામાં અનુવાદની સહાય તુલનાત્મક સાહિત્ય માટે કીમતી છે. પોતાની ભાષા બહાર એકથી વધુ સાહિત્યો કે સંસ્કૃતિઓને પામવામાં રહેલી મર્યાદાઓને અનુવાદ જેવા દ્વૈતીયિક સાધનથી ઉલ્લંઘી શકાય છે. અલબત્ત આને કારણે તુલનાત્મક સંશોધનમાં એક જોખમ છે. અનુવાદને કારણે અને ભિન્ન સાહિત્યપરંપરાની કૃતિઓમાં થતી સમાન્તર ગતિને કારણે સાક્ષાત્ કૃતિની મૂર્તતાથી સંપર્ક તૂટી ન જાય તે જોવું આવશ્યક બને છે. ચં.ટો.