ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/ત્રિપિટક


ત્રિપિટક : ગૌતમ બુદ્ધનાં વચન તથા ધર્મોપદેશના પ્રતિપાદક પિટકગ્રન્થો ત્રણ હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જનસામાન્યના હિતને અનુલક્ષીને આ ગ્રન્થોની ભાષા માગધી કે પાલી છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ સંગીતિઓમાં લેવાયેલા નિર્ણયો અનુસાર ૧. વિનયપિટક ૨. સૂત્ત (સૂત્ર અથવા સૂક્ત) પિટક અને ૩. અભિથમ્મ – (આત્મિધર્મ) પિટક એમ ત્રણ પિટકોનું સંકલન થયું છે. ભિક્ષુઓ, ભિક્ષુણીઓ માટે ગૌતમ બુદ્ધે – પ્રસંગાનુસાર જે નિયમોનું ઉદ્બોધન કર્યું હતું તેનો સંગ્રહ છે વિનયપિટક. સુત્તપિટકનો પ્રધાન ઉદ્દેશ ધર્મનું પ્રતિપાદન છે. એમાં ગૌતમ બુદ્ધે વિભિન્ન સમયે શિષ્યોને આપેલા ધર્મોપદેશનું સંકલન કર્યું છે. અભિથમ્મપિટકમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું શાસ્ત્રીય દૃષ્ટિએ વિવેચન અને પ્રતિપાદન થયું છે. નિ.વો.