ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/થ/થાળ
થાળ : કૃષ્ણભક્તિ-પરંપરામાં પ્રભુની, પ્રાત :કર્મોથી આરંભાઈને રાત્રિશયન સુધીની વિવિધ દિનચર્યાનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ પૈકી ભોજનમાં ધરાતા નૈવેદ્યથાળનો પ્રભુ સ્વીકાર કરે એવી ભક્તકવિએ આર્દ્રહૃદયે કરેલી વિનંતીરૂપે રચાતો પદ-પ્રકાર. ‘થાળ’ સંજ્ઞાથી જ સ્પષ્ટ થાય છે તેમ, ધરાયેલા નૈવેદ્યના ભોજનથાળમાં પીરસવામાં આવેલી ‘સેવ, સુંવાળી, શીરો, પૂરી, ઘેબર, ઘારીને કંસાર’ વગેરે બત્રીસ પકવાન ને તેત્રીસ શાક જેવી વાનગીઓની યાદી અને નૈવેદ્ય ધરાવવા પાછળનો, ‘હું દુર્બળ કેરું અન્ન, લીયો એ યાચું છું ‘– જેવી પંક્તિ દ્વાર પ્રગટતો ભક્તિભાવ એ થાળ-લેખનનું મુખ્ય પ્રયોજન છે. ક્વચિત્ થાળમાં, પૂર્વે પ્રભુએ સમર્થોનાં પકવાન તજીને શબરીનાં એંઠાં બોર, વિદુરની ભાજી અને સુદામાનાં તાંદુલ કેવા સ્નેહે આરોગ્યાં હતાં તેનું દૃષ્ટાંતરૂપ નિરૂપણે ય થયું છે.
ર.ર.દ.