ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દૂતકાવ્ય



દૂતકાવ્ય : દૂરસ્થને સંદેશ મોકલવાની પ્રથા આમ તો પ્રાચીન છે. ઋગ્વેદમાં કૂતરાનો દૂત તરીકે ઉપયોગ કરાયો છે. રામે હનુમાનને, યુધિષ્ઠિરે કૃષ્ણને, નલે હંસને દૂત તરીકે પ્રયોજ્યા છે. પરંતુ નિર્જીવ મેઘને દૂત તરીકે પ્રયોજી કાલિદાસે નવોન્મેષ દાખવ્યો છે. અલબત્ત, ‘ઘટકર્પર’માં પ્રભાતના વાદળને સંદેશવાહક બનાવ્યાનો પ્રાચીન નમૂનો છે તેમ છતાં કાલિદાસનું ‘મેઘદૂત’ યક્ષની મન :સ્થિતિને નિરૂપતું અને એના સંદેશને વહેતું દૂતકાવ્ય કે સંદેશકાવ્યનું ઉત્તમ ઉદાહરણ છે. ભામહે એના ‘કાવ્યાલંકાર’માં વાદળ, વાયુ કે ચન્દ્ર જેવી નિર્જીવ વસ્તુઓને કે ભ્રમર, પોપટ, ચક્રવાક જેવી સજીવ વસ્તુઓનો ઉપયોગ કરવાની વાતની ટીકા કરી છે. છતાં દૂતકાવ્યની એક લાંબી પરંપરા રહી છે. ‘કાકદૂત’ ‘ઇન્દુદૂત’ ‘પવનદૂત’ મનોદૂત’ જેવાં કાવ્યો રચાયાં છે. જૈન કવિઓએ આ કાવ્યપ્રકારને વિશેષ ધાર્મિક રંગ આપ્યો છે. ‘નેમિદૂત’ કે ચારિત્ર્યસુંદરગણિકૃત ‘શીલદૂત’ જેવાં કાવ્યોમાં એ જોઈ શકાય છે. સમાજવિદ્યાની દૃષ્ટિએ આ પ્રકારનાં કાવ્યો ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક માહિતી સંદર્ભે ભારતના વિવિધ પ્રદેશોના દસ્તાવેજ આપે છે. ગુજરાતી સાહિત્યમાં પણ મનસુખલાલ ઝવેરીના પ્રસિદ્ધ ‘ચન્દ્રદૂત’ ઉપરાંત બીજાં અનેક દૂતકાવ્યો રચાયાં છે. ચં.ટો.