ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વન્યાલોક


ધ્વન્યાલોક : સંભવત : નવમી સદીના ઉત્તરાર્ધમાં રચાયેલો આનંદવર્ધનકૃત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સીમાચિહ્નરૂપ ગ્રન્થ. કારિકા, વૃત્તિ અને દૃષ્ટાંત એ રૂપે સમગ્ર ગ્રન્થમાં વિષયનિરૂપણ થયું છે. કારિકા અને વૃત્તિ બન્નેના રચયિતા આનંદવર્ધન છે એ બહુધા સ્વીકાર્ય મત છે. ૧૨૯ કારિકાઓને ચાર ઉદ્યોતમાં વિભક્ત કરી આ ગ્રન્થના પહેલા ઉદ્યોતમાં ધ્વનિવિરોધી મતોનું નિરસન કરી ધ્વનિનું લક્ષણ આપ્યું છે. ધ્વનિને કાવ્યનો આત્મા કહી ગુણ, અલંકાર, રીતિ આદિને કાવ્યના દેહરૂપ માન્યા છે. બીજા ઉદ્યોતમાં મુખ્યત્વે રસધ્વનિકાવ્યના પ્રભેદોની ચર્ચા છે, તથા રસવદ્ અલંકાર અને રસધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. ત્રીજા ઉદ્યોતમાં વ્યંજકની દૃષ્ટિએ પડતા ધ્વનિકાવ્યના વિવિધ પ્રભેદોની ચર્ચા કરતાં પ્રસંગાનુસાર ગુણ અને સંઘટના વિશે વિચાર કર્યો છે અને એ ઉદ્યોતના અંતભાગમાં ગુણીભૂતવ્યંગ્યકાવ્ય અને ચિત્રકાવ્યની ચર્ચા છે. ચોથા ઉદ્યોતમાં કવિપ્રતિભા દ્વારા ધ્વનિના અનંતરૂપો સંભવી શકે એની વાત કરી ધ્વનિની વ્યાપકતા અને તેનું મહત્ત્વ સ્પષ્ટ કર્યાં છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાં ધ્વનિવાદની સૈદ્ધાન્તિક રૂપે સ્થાપના પહેલી વખત આનંદવર્ધને આ ગ્રન્થમાં કરી. પોતાની પૂર્વે બતાવાયેલા અલંકાર, ગુણ, રીતિ આદિ કાવ્યનાં સૌન્દર્યસાધક તત્ત્વોનો ધ્વનિના સંદર્ભમાં નવેસરથી વિચાર કર્યો, ધ્વનિને કાવ્યનો આત્મા ગણવા છતાં રસધ્વનિને બધાં કાવ્યોમાં શ્રેષ્ઠ ગણી તેમણે ધ્વનિનો રસની સાથે અભૂતપૂર્વ સમન્વય કર્યો. દંડી ને વામનની જેમ તેમણે ગુણોને શબ્દાર્થને બદલે રસના આશ્રયે રહેલા માન્યા, તથા માધુર્ય, ઓજસ અને પ્રાસાદ એમ ત્રણ ગુણોનો સ્વીકાર કર્યો. આ ગ્રન્થમાં થયેલા ધ્વનિવાદના શાસ્ત્રીય પ્રતિપાદનનો પરવર્તી કાવ્યમીમાંસકો પર એટલો પ્રભાવ પડ્યો કે કાવ્યમૂલ્યાંકનના એક મહત્ત્વના માપદંડ તરીકે એનો વ્યાપક સ્વીકાર થયો. આ ગ્રન્થ ‘સહૃદયાલોક’ કે ‘કાવ્યાલોક’ એવા અપરનામથી પણ ઓળખાય છે. ‘ચંદ્રિકા’ નામની એની સૌથી પ્રાચીન ટીકાનો ઉલ્લેખ મળે છે પરંતુ એની અતિમૂલ્યવાન ટીકા તો અભિનવ ગુપ્તની ‘ધ્વન્યાલોક લોચન’ ટીકા છે. આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતીવર્માના રાજદરબારમાં પંડિત હતા. એમણે ‘વિષમબાણલીલા’ ‘અર્જુનચરિત’ ‘દેવીશતક’ અને ‘તંત્રાલોક’ એ ગ્રન્થોની પણ રચના કરી છે. જ.ગા.