ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મદચન્દ્રક


નર્મદચન્દ્રક : ૧૯૩૩માં નર્મદજન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે કરેલી નર્મદ-પ્રતિમાની સ્થાપના પછી બાકી વધેલી રકમમાંથી નર્મદની સ્મૃતિ અર્થે, તેણે ખેડેલા નિબંધ, નાટક, કવિતા, જીવનચરિત્ર-આત્મકથા અને ઇતિહાસ-સંશોધન જેવાં સાહિત્ય સ્વરૂપો તેમજ વિષયોમાં ચાર વર્ષના સમયગાળામાં પ્રકાશિત ઉત્તમ ગુજરાતી પુસ્તકને અપાતો ચન્દ્રક. આ ચન્દ્રક ૧૯૨૩માં સુરતમાં સ્થપાયેલા ગુજરાતી સાહિત્યમંડળ દ્વારા અપાય છે. અલબત્ત, આ મંડળ, ૧૯૩૦થી ‘નર્મદ સાહિત્યસભા’ને નામે સુવિદિત છે. ચન્દ્રક માટેની કૃતિની પસંદગી, નર્મદસાહિત્યસભા દ્વારા નિમાયેલી બે સભ્યોની નિર્ણાયક/પસંદગી સમિતિ કરે છે. તેમજ નર્મદ શતાબ્દી સ્મારક સમિતિના સ્થાયી પ્રતિનિધિઓ સૂચિત પસંદગીને સંમતિ આપે છે. નર્મદચન્દ્રકથી પુરસ્કૃત સાહિત્યકારો નીચે પ્રમાણે છે. ૧૯૪૪ : જ્યોતીન્દ્ર હ. દવે (‘રંગતરંગ’, નિબંધ-વિવેચન) ૧૯૪૫ : રામલાલ ચુ. મોદી (‘દ્વયાશ્રયકાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ’, ઇતિહાસ-સંશોધન), ૧૯૪૬ : ચન્દ્રવદન ચી. મહેતા (‘ધરાગુર્જરી’, નાટક), ૧૯૪૭ : ઉમાશંકર જોશી (‘પ્રાચીના’, કવિતા), ૧૯૪૮ : પ્રભુદાસ છ. ગાંધી (‘જીવનનું પરોઢ’, જીવનચરિત્ર), ૧૯૪૯ : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી (‘પરિશીલન’, નિબંધ-વિવેચન), ૧૯૫૦ : રામનારાયણ વિ. પાઠક (‘બૃહદ્પિંગળ’, ઇતિહાસ-સંશોધન), ૧૯૫૧ : ચુનીલાલ મડિયા (‘રંગદા’, નાટક), ૧૯૫૨ : ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’ (‘યાત્રા’, કવિતા), ૧૯૫૩ : ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ (‘જીવનપંથ’, જીવનચરિત્ર), ૧૯૫૪ : કિશનસિંહ ચાવડા (‘અમાસના તારા’, નિબંધ), ૧૯૫૫ : હરિપ્રસાદ શાસ્ત્રી (‘મૈત્રકકાલીન ગુજરાત’, ઇતિહાસ-સંશોધન), ૧૯૫૬ : શિવકુમાર જોશી (‘સુમંગલા’, નાટક), ૧૯૫૭ : નિરંજન ભગત (‘છંદોલય’, કવિતા), ૧૯૫૮ : ઇન્દુલાલ યાજ્ઞિક (‘આત્મકથા’, જીવનચરિત્ર), ૧૯૫૯ : વિજયરાય ક. વૈદ્ય (‘ગત શતકનું સાહિત્ય’, નિબંધ-વિવેચન), ૧૯૬૦ : ભોગીલાલ જ. સાંડેસરા (‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્ય પર એની અસર’, ઇતિહાસ-સંશોધન), ૧૯૬૧ : ધનસુખલાલ મહેતા (‘ગરીબની ઝૂંપડી’, નાટક) ૧૯૬૨ : સુંદરજી બેટાઈ (‘તુલસીદલ’, કવિતા), ૧૯૬૩ : રાવજીભાઈ પટેલ (‘જીવનનાં ઝરણાં’, જીવનચરિત્ર), ૧૯૬૪ : રામપ્રસાદ બક્ષી (‘વાઙ્મય વિમર્શ’, નિબંધ-વિવેચન), ૧૯૬૫ : કનૈયાલાલ ભા. દવે (‘ગુજરાતનું મૂર્તિવિધાન’, ઇતિહાસ-સંશોધન), ૧૯૬૬ : પ્રાગજી ડોસા (‘ઘરનો દીવો’, નાટક), ૧૯૬૭ : નટવરલાલ કુ. પંડ્યા ‘ઉશનસ્’ (‘તૃણનો ગ્રહ’, કવિતા), ૧૯૬૮ : જયંત પાઠક (‘વનાંચલ’, આત્મકથા જીવનચરિત્ર), ૧૯૬૯ : સુરેશ જોષી (‘જનાન્તિકે’, નિબંધ), ૧૯૭૦ : કલ્યાણરાય ન. જોષી (‘ઓખામંડળના વાઘેરો’, ઇતિહાસ-સંશોધન), ૧૯૭૧ : વજુભાઈ ટાંક (‘રમતાં રૂપ’, નાટક), ૧૯૭૨ : હીરાબહેન રા. પાઠક (‘પરલોકે પત્ર’, કવિતા), ૧૯૭૩ : કમળાશંકર પંડ્યા (‘વેરાનજીવન’, આત્મકથા જીવનચરિત્ર), ૧૯૭૪ : અનંતરાય રાવળ (‘ઉન્મીલન’, નિબંધ), ૧૯૭૫ : પ્રવીણચંદ્ર પરીખ, (‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ’, ઇતિહાસ-સંશોધન), ૧૯૭૬ : મધુ રાય (‘કુમારની અગાશી’, નાટક), ૧૯૭૭ : રાજેન્દ્ર શાહ (‘મધ્યમા’, કવિતા), ૧૯૭૮ : મુકુન્દરાય પારાશર્ય (‘સત્ત્વશીલ’, જીવનચરિત્ર), ૧૯૭૯ : વાડીલાલ ડગલી (‘શિયાળાની સવારનો તડકો’, નિબંધ-વિવેચન), ૧૯૮૦ : હસમુખ સાંકળિયા (‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ :કાળ’, ઇતિહાસ-સંશોધન), ૧૯૮૧ : રસિકલાલ છો. પરીખ (‘મેનાગૂર્જરી’, નાટક), ૧૯૮૨ : રમેશ પારેખ (‘ખડિંગ’, કવિતા), ૧૯૮૩ : ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’ (‘સાફલ્યટાણું’, આત્મકથા), ૧૯૮૪ : યશવન્ત શુક્લ (‘કેન્દ્ર અને પરિઘ’, નિબંધ-વિવેચન), ૧૯૮૫ : જે. પી. અમીન (‘ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન’, ઇતિહાસ-સંશોધન), ૧૯૮૬ : લાભશંકર ઠાકર (‘પીળું ગુલાબ અને હું’, નાટક), ૧૯૮૭ : ચંદ્રકાંત શેઠ (‘પડઘાની પેલે પાર’, કવિતા), ૧૯૮૮ઃ સ્વામી સચ્ચિદાનંદ (‘મારા અનુભવો’, આત્મકથા), ૧૯૮૯ઃ હરિવલ્લભ ભાયાણી (‘કાવ્યપ્રપંચ’, વિવેચન), ૧૯૯૦ઃ ડૉ. રમણભાઈ ના. મહેતા (‘વડોદરા એક અધ્યયન’, સંશોધન), ૧૯૯૧ : હસમુખ બારાડી (‘રાઈનો દર્પણરાય’, નાટક), ૧૯૯૨ : સુરેશ દલાલ (‘પદધ્વનિ’, કવિતા), ૧૯૯૩ : નારાયણ દેસાઈ (‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, જીવનચરિત્ર), ૧૯૯૪ઃ ગુણવંત શાહ (‘ઢાઈ અક્ષર પ્રેમકા’, નિબંધ), ૧૯૯૫ઃ વિષ્ણુ પંડ્યા (‘ગુજરાતમાં સ્વાતંત્ર્ય-સંગ્રામનો ઇતિહાસ’, ઇતિહાસ, સંશોધન), ૧૯૯૬ઃ રવીન્દ્ર પારેખ (‘ઘર વગરનાં દ્વાર’, નાટક), ૧૯૯૭ઃ હરિકૃષ્ણ પાઠક (‘જળના પડઘા’ કવિતા), ૧૯૯૮ઃ યોગેશ જોષી (‘મોટી બા’, ચરિત્ર) ૧૯૯૯ઃ રઘુવીર ચૌધરી (‘તિલક કરે રઘુવીર’, ચરિત્ર), ૨૦૦૦ઃ મુગટલાલ બાવીસી (‘લીમડી રાજ્યનો ઇતિહાસ’, સંશોધન), ૨૦૦૧ઃ સિતાંશુ યશશ્ચંદ્ર (‘કેમ મકનજી ક્યાં ચાલ્યા?’ નાટક), ૨૦૦૨ઃ જવાહર બક્ષી (‘તારાપણાના શહેરમાં’, કવિતા), ૨૦૦૩ઃ રતન માર્શલ (‘આત્મકથાનક’, જીવનચરિત્ર), ૨૦૦૪ઃ રતિલાલ ‘અનિલ’ (‘આટાનો સૂરજ’, નિબંધ), ૨૦૦૫ઃ મોહન મેઘાણી (‘સત્તરમી અને અઢારમી સદીનું સુરત’, ઇતિહાસ-સંશોધન), ૨૦૦૬ઃ સતીશ વ્યાસ (‘જળને પડદે’, નાટક), ૨૦૦૭ઃ રાજેન્દ્ર શુક્લ (‘ગઝલસંહિતા’, કવિતા), ૨૦૦૮ઃ ભગવતીકુમાર શર્મા (‘સુરત મુજ ઘાયલ ભૂમિ’, આત્મકથા), ૨૦૦૯ઃ નટવરસિંહ પરમાર (‘જગરું’, નિબંધ), ૨૦૧૦ઃ પુસ્તકો પૂરતાં ન આવવાથી કોઈ પુસ્તક ઈનામને પાત્ર થયું નથી. ૨૦૧૧ઃ શ્રીકાંત શાહ (‘કૉલબેલ પાછળનો દરવાજો’, નાટક), ૨૦૧૨ઃ રઇશ મનીઆર (‘આમ લખવું કરાવે અલખની સફર’, કવિતા), ૨૦૧૩ઃ હસમુખ શાહ (‘દીઠું મેં’, આત્મકથા), ૨૦૧૪ઃ મણિલાલ હ. પટેલ (‘ધૂળમાં ઊડતો મેવાડ’, નિબંધ), ૨૦૧૫ઃ દામિની શાહ (‘મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશનઃ એક કરુણ દાસ્તાન’, ઇતિહાસ-સંશોધન), ૨૦૧૬ઃ ભરત દવે (‘વાસ્તવવાદી નાટક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં’, નાટક). ર.ર.દ., ઈ.કુ.