ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતિશ્રાવ્ય


નિયતશ્રાવ્ય : નાટ્યવૃત્તની અભિવ્યક્તિની એક રીતિ. જ્યારે કોઈ પાત્રની ઉક્તિને રંગમંચ પર હાજર કેટલાંક નિયત કે પરિમિત પાત્રો જ સાંભળે ત્યારે એને નિયતશ્રાવ્ય કહે છે. એના બે ભેદ છે જનાન્તિક અને અપવારિત. રંગમંચ પર અન્ય પાત્ર હાજર હોવા છતાં બે પાત્ર ‘ત્રિપતાકાકર’ મુદ્રા દ્વારા એવી રીતે વાતચીત કરે, જેથી અન્ય પાત્ર ન સાંભળે તો તે જનાન્તિક છે. જનાન્તિકને પ્રેક્ષકો સાંભળે છે અને એ સાંભળે એવું નાટકકારને અભિપ્રેત પણ હોય છે. અપવારિત એટલે છુપાવવું. આ રીતિમાં મોંને બીજી બાજુ ફેરવી કોઈ પાત્ર અન્ય પાત્રથી ગોપનીય વાત કરે છે. રંગમંચ પર હાજર કોઈ પાત્રની ઉક્તિ કેટલાંક સાંભળે અને કેટલાંક ન સાંભળે એ કૃત્રિમ અને અ-મનોવૈજ્ઞાનિક હોવા છતાં નાટ્યરૂઢિ છે. અંગ્રેજી નાટ્યપરંપરામાં અને યુરોપની અન્ય નાટ્યપરંપરામાં પણ આ જનાન્તિક(aside)નો નાટ્યપ્રવિધિ વિસ્તૃત રીતે અખત્યાર થયો છે. ચં.ટો.