ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરંજની સંપ્રદાય


નિરંજની સંપ્રદાય : સામાન્ય રીતે નિરંજની સંપ્રદાયને કબીરપંથની એક શાખા માનવામાં આવે છે, વળી નાથ અને અદ્વૈતપરંપરા સાથે પણ એને જોડવામાં આવે છે. ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશમાં ભિન્ન ભિન્ન રીતે આ સંપ્રદાય ઓળખાય છે અને એના સ્થાપક તરીકે નિપટ નિરંજન સાહેબ જે કબીરશિષ્ય હતા તથા ઓડિશાના સ્વામી નિરંજન – એમ બે નામ બોલાય છે. કબીર સંપ્રદાયમાં ‘નિરંજની’ ઉપરાંત ‘મૂળ નિરંજની પંથ’ હોવાના ઉલ્લેખો પણ મળે છે. નિરંજની અખાડો પોતાને આદ્ય શંકરાચાર્યજી સાથે જોડે છે. વાસ્તવમાં આ સંપ્રદાયના ઘણા સિદ્ધાંતો બીજા ઘણા સંપ્રદાયો સાથે મળતા હોવાથી પાછળના સમયમાં અસ્પષ્ટતા ઊભી થયેલી જણાય છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી માને છે કે મૂળનો નિરંજનપંથ બાદમાં કબીરપંથ સાથે સંપર્કમાં આવ્યો છે અને કબીરપંથે એની ઘણી વાતો સ્વીકારી છે. મૂળમાં આ સંપ્રદાય યોગમાર્ગ છે અને નિર્ગુણ ઉપાસનાનો પંથ છે. યોગ દ્વારા ‘નિરંજનપદ’ પ્રાપ્ત કરવું તે આનું ધ્યેય છે. ‘નિરંજન’ શબ્દ બે રીતે સમજાવવામાં આવે છે : ‘નિ-રંજન’ (રંજન એટલે મનોવિકાર અને નિ એટલે રહિત) તેમજ ‘નિરંજન’ (ગુણોથી પર, અલિપ્ત) નિરંજનને બ્રહ્મવાચક શબ્દ કહેવામાં આવેલ છે, તે સર્વવ્યાપી અને અલક્ષ્ય હોવાના કારણે ‘અલખ નિરંજન’ એવો ઉદ્ગાર થાય છે. ન.પ.