ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિપરક વિવેચન


નીતિપરક વિવેચન (Moral Criticism) : પ્રારંભકાળથી વિવેચનમાં નૈતિક ધોરણો સૌથી વધુ વ્યાપક રહ્યાં છે. કવિતા સમર્થ નૈતિક પ્રભાવ પાડી શકે છે એ પ્લેટોથી માંડી આજ દિન સુધી અત્યંત સક્રિય મુદ્દો રહ્યો છે અને વારંવાર નૈતિકતાનાં અને સૌન્દર્યનિષ્ઠતાનાં ધોરણોના પ્રશને ચર્ચાતા રહ્યા છે. એક બાજુ નૈતિકતાની ભૂમિકા પરનો ઉપદેશવાદ અને બીજી બાજુ કલા ખાતર કલાનો શુદ્ધવાદ – આમ બે આત્યંતિક બિન્દુઓ વચ્ચે પારંપરિક રીતે ઘણા વિપુલ પ્રમાણમાં વિવાદો પડેલા છે. ટી. એસ. એલિયટે તો નોંધ્યું છે કે સાહિત્ય સાહિત્ય છે કે નહિ એ ભલે સાહિત્યનાં ધોરણોએ નિર્ણીત થઈ શકે, પરંતુ સાહિત્યની મહાનતા કેવળ સાહિત્યિક ધોરણોથી નિર્ણીત થઈ શકે નહિ. પ.ના.